જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકુટ સોસાયટીમાં બનેલા બનાવમાં મોટર સાઈકલમા સવાર બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકુટ સોસાયટીમાં ઘર પાસે ઉભેલા મહિલાના ગળામાંથી સોનાનો ચેન આચકી સમડી ફરાર થઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ડબલ સવાર બાઇકમાં આવેલા બે શખ્સોએ પૈકી એકે મહિલાના ગળામાંથી ચેઇનની ચિલઝડપ કરી ફરાર થઇ જતા આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. મોરબીના જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકુટ શેરી નં.૪ના મકાન નં.૧૧માં રહેતા મુળ જસમતગઢના વતની જોશનાબેન અંબારામભાઈ રંગપરીયા (ઉ.વ.૫૭)એ મોટર સાઈકલમા સવાર બે અજાણ્યા ઈસમો સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૭ના રોજ તેઓ અન્ય મહિલાઓ દુધીબેન પિતામ્બરભાઈ ભુત તથા દયાબેન કિશોરભાઈ કાસુંદ્રા સાથે પોતાના ઘર પાસે ઉભા હતા. તે દરમ્યાન અચાનક જ બે અજાણ્યા આરોપીઓ પુરપાટ ઝડલે મોટર સાયકલ ઉપર ડબલ સવારીમા આવી ફરીયાદીના ગળામા રહેલ આશરે ૨૦.૦૦૦ ગ્રામ વજનના સોનાનો ચેન જેની કિ રૂ ૬૦,૦૦૦ તથા તે ચેનમા રહેલ સોનાનુ શ્રીનાથજીનુ પેન્ડલ આશરે ૦૫.૦૦૦ ગ્રામ જેની કિ રુ ૧૫,૦૦૦ એમ કુલ કિ.રૂ.૭૫,૦૦૦ ને ઝુંટવીને ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. ઘર પાસે ઉભેલા મહિલાના ગળામાંથી ચેનની ચિલઝડપ થતા સમડી ગેંગ ફરી સક્રિય થયાના એંધાણ વર્તાય રહ્યા હતા. આથી ઘર પાસે પણ ઉભું રહેવું સલામતભર્યું ન હોવાનું આ ઘટના પરથી ફલિત થતું હોય હાલ પોલીસ આ ઘટનાની મહિલાની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૭૯(A)(૩),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.