જરૂર નથી એવા સક્ષમ લોકોને પણ મકાન અપાયા છે તેની સામે પણ લાભાર્થીઓનો વિરોધ : ડેપ્યુટી કમિશનરને રજુઆત, લાભાર્થીઓ હવે સાંજે મ્યુનિ. કમિશનરને મળશે મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ એકસાથે રકમ ભરવા સક્ષમ ન હોય હપ્તા કરી દેવાની માંગ સાથે ડેપ્યુટી કમિશનરને રજુઆત કરી છે. હવે તેઓ સાંજે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પણ મળવાના છે. લીલાપર રોડ ઉપરના મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ જણાવ્યું કે અમે નગરપાલિકા વખતે રકમ ભરવા તૈયાર હતા. ત્યારે કોઈ અધિકારી રકમ લેવા તૈયાર ન હતા. જો ત્યારે રકમ લેવાનું શરૂ કર્યું હોત તો હપ્તા પૂર્ણ પણ થઈ ગયા હોત. હવે મહાપાલિકા દ્વારા એક સાથે બાકી રકમ જમા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીંના લાભાર્થીઓ એટલા સક્ષમ નથી. જેથી રૂ.2000થી 5000નો હપ્તો કરી દેવામાં આવે તેવી માંગ છે. વધુમાં લાભાર્થીઓએ એવું કહ્યું હતું કે આ આવાસ યોજનામાં જેને જરૂર નથી એવા સુખી સંપન્ન લોકોને પણ આવાસ આપવામાં આવ્યા છે. તેઓ રહેવા આવતા નથી. ભાડે આવાસ આપી દયે છે. જેની સામે અમે વિરોધ નોંધાવીએ છીએ. આ મામલે અમે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને રજુઆત કરી છે. તેઓએ કહ્યું છે કે તમે સાંજે મ્યુનિસિપલ કમિશનરને મળજો. જેથી સાંજે ફરી રજુઆત કરવા આવીશું.