23 સીસી રોડ અને 10 અન્ય માર્ગોના નવીનીકરણના કામોને મંજુર કરતા નીકળ્યા વર્ક ઓર્ડર : મોરબીની સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં ધરમૂળથી સુધારણા, સાયકલ ટ્રેક, નવી સીટી બસો માટે કોન્ટ્રાકટ અને ઇ-રીક્ષાનું પાલિકા હસ્તક સંચાલન સહિતના વિકાસ કામોને મંજૂરી આપી પાલિકાની જૂની બોડીએ લીધી વિદાય મોરબી : ગત સપ્તાહે ગુજરાતમાં મહાનગર પાલિકા અને સુધરાઈની મુદતો પુરી થતા હાલ વહીવટદારોનું શાસન આવ્યું છે. જો કે મોરબી પાલિકાની ચૂંટાયેલી પાંખની મુદત પુરી થયા પહેલા મોરબીના કુલ મળીને 33 માર્ગોના નવીનીકરણનું કામ મંજુર કરતા હાલ એ કામના વર્કઓર્ડર નીકળી ચુક્યા છે. મોરબી શહેરનો મોટો પ્રાણપ્રશ્ન માર્ગોનો રહ્યો છે. ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓ અને ઉબડખાબડ માર્ગોને કારણે મોરબીવાસીઓને ઘણા સમયથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેમાં હવે આવનારા દિવસોમાં એ સમસ્યામાંથી નાગરિકોને છુટકારો મળશે. ખાસ કરીને મોરબીમાં પ્રસ્તાવિત ઓવરબ્રિજની મંજૂરી માટેની દરખાસ્ત પણ મોકલી આપવામાં આવી છે. નવી બોડીની રચના સુધીમાં જો આ ઓવરબ્રિજની મંજૂરી મળી જશે તો આગામી ત્રણ-ચાર માસમાં ઓવરબ્રિજ બનવાના કામના શ્રીગણેશ થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે, નટરાજ ફાટક પર પ્રસ્તાવિત ઓરબ્રીજ માટે રેલવે સહિતના તંત્રની મંજૂરી પણ મળી ચુકી છે. કુલ 68 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ ઓવરબ્રિજની તાંત્રિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે. આ ઉપરાંત કંડલા હાઇવે પર આદર્શ સોસાયટી, સનફ્લાવર સહિતના વિસ્તારોમાં સીસીરોડ, ભૂગર્ભ ગટર અને સામા કાંઠે એક પીકનીક સેન્ટર વિકસાવવાનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે. આ સિવાય નગર દરવાજાથી દરબારગઢ સુધી ગ્રેનાઈટના પથ્થરથી માર્ગ બનાવવાની તાંત્રિક મંજૂરી મુકવામાં આવી છે. પાલિકા પ્રમુખ કેતન વિલપરાની મુદત પુરી થતા અને ચીફ ઓફિસર ગિરીશ સેરૈયાના હાથમાં વહીવટદાર શાસન આવતા મુદતપુરી થયેલી બોડીએ મંજુર કરેલા કાર્યોમાં હવે ગતિ આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ઉપરોક્ત કામો સિવાય શંકર આશ્રમ તેમજ ધર્મનામ સોસાયટીમાં ગાર્ડન વિકસાવવામાં આવનાર છે. જેના વર્ક ઓર્ડર અપાઈ ચુક્યા છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ એટલેકે ભૂગર્ભ ગટર અને હયાત વોકળા ઉપર કરવાની થતી કામગીરીના વર્ક ઓર્ડર પણ અપાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઉભરાતી ગટરની સમસ્યા વિકરાળ બની છે ત્યારે ખુલ્લા હોકળા પર મોટા પાઇપો નાંખીને એ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રવાપર ચોકથી અવની પાર્ક સુધી, એચડીએફસી કોર્નરથી લીલાપર સ્મશાન સુધી, સર્કિટ હાઉસ નજીક, પંચાસર રોડ, આલાપ પાર્ક વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર છે. મોરબીમાં સાયકલ પાથ બનાવવાનો નવતર અભિગમ મુકવામાં આવ્યો છે. જેમાં ફૂટપાથની સમાંતર આ પાથ બનાવવામાં આવનાર છે. બસ શેલ્ટર, કેનાલરોડ પર અમૃત યોજના સહિતની કામગીરીને પણ મંજૂરીની મ્હોર મારી દેવામાં આવી છે. ઉપરોક્ત માહિતી આપવા દરમ્યાન ચીફ ઓફિસર ગીરીશ સેરૈયાએવધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવી 36 બસો કોન્ટ્રાકટ બેઝ પર આવનારા સમયમાં મોરબીના રસ્તા પર દોડતી થશે. તેમજ પાલિકા તરફથી 50 ઈ-રીક્ષા ખરીદવામાં આવનાર છે. ઈ-રીક્ષા જે માર્ગો પાર દોડશે ત્યાં અન્ય કોઈ વાહનો જઈ શકશે નહીં. આ ઉપરાંત રાજકોટની તર્જ પાર સાયકલ શેરિંગ પ્રોજેક્ટ પણ અમલી બનાવવામાં આવશે. શેરી વિસ્તારોમાં લોક હિતાર્થે બેંચો મુકવામાં આવશે. ખુલ્લા હોકળાઓમાં લોકો કચરો ન ફેંકી શકે એ માટે હોકળાની ફરતે મોટા હોર્ડિંગો લગાવવામાં આવશે. 23 ડામરના માર્ગો રીપેરીંગ કરવા માટે રી-ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ પૂર્વ બોડી વિખરાતા પૂર્વે મોરબીને અત્યાધુનિક બનાવવાની પ્રક્રિયા પુરી કરવામાં આવી હતી. ઉપરોક્ત વિકાસ કામોમાંથી મોટા ભાગના કામોના ખાતમહૂર્ત થઈ ગયા છે અને અમુક કામો શરૂ પણ થઇ ગયા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં મોરબી શહેર નવી શકલ સુરત ધારણ કરશે એવું ચિત્ર હાલ તો ઉપસી રહ્યું છે. મોરબી શહેરમાં જે કામોની મંજૂરી બાદ વર્કઓર્ડર અપાઈ ચુક્યા છે તેમાં, સાંભરાની વાડી, મેઈન રોડ, માંગરની વાડી વિસ્તાર, બજારની વાડી વિસ્તાર, મેઘાણીની વાડી વિસ્તાર, વાઘાણીની વાડી વિસ્તાર, એપોલો હોલથી મોર ભગતની વાડીના ખૂણા સુધી, અને મોટેશ્વર મહાદેવ મંદિર પાસે, કેનાલ રોડથી શિયાળની વાડી અને શિમળિયા શિયાળની વાડી, મૂનનગર મુખ્ય માર્ગ, મૂનનગર ચોકથી મૂનનગર શેરી નંબર 3, સત્યમ પાન કોર્નરથી સરસ્વતી એપાર્ટમેન્ટ, મોમાઈ ડેરીથી પાર્થ મેડિકલ સુધી, પાવન પાર્ક શેરી નંબર 2, પુંજાણી મોબાઈલ વાળી શેરી, સત્યમ પાન પાસે યુકો બેન્ક વાળી શેરી, ભગવતી પરા અને ગાયત્રી નગરની શેરીઓ, લાતી પ્લોટ શેરી નંબર બે તથા છ, વસંત પ્લોટની શેરીઓ (રવાપર રોડ), શક્તિ હનુમાનજી વાળી શેરી (રવાપર રોડ), શનાળા રોડ પર જૈન ખમણથી શ્રીજી પેલેસ, હાડાની વાડીથી જોધાણીની વાડી, જશાની વાડીથી જોઘણીની વાડી અને મેઘાણીની વાડીથી ખીચડની વાડી, ડાબરનીવાડીથી હાડાની વાડી, હાડાની વાડીથી ઠુંઠાની વાડી, મેઘાણીની વાડીથી ફીડલની વાડી, માણેક સોસાયટી શેરી નંબર એક અને વિજય નગર શેરી નંબર 2, આલાપ રોડ સુધીના વર્ક ઓર્ડર અપાઈ ચુક્યા છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ સિવાય સીસી.રોડના કામોમાં બાપા સીતારામ ચોકથી સરદાર પટેલના બાવલા સુધી, હીરાશરી રોડથી અવની ચોકડી સુધી, રાધે ક્રિષ્ના સ્કૂલ પાસેના નાલાથી નાની કેનાલ સુધી, જીઓ ઓફિસથી નર્મદા હોલ સુધી (રવાપર રોડ), લાયન્સ નગરથી શ્રદ્ધા પાર્ક સુધી, પ્રકાશ ફેક્ટરીથી લાયન્સ નગર સુધી, હીરાશરીરોડ પર જૈન દેરાસર વાળી શેરી, શક્તિ સોસાયટી, જનતા સોસાયટીથી મહાવીર સોસાયટી (રવાપર રોડ) પર વૈભવનગર સોસાયટી કંડલા બાયપાસ શક્તિ ચોકથી મંદિર સામે જાહેર શૌચાલય સુધી સીસી રોડ પર રોડ રિસર્ફેસીંગનું કામના વર્ક ઓર્ડર અપાઇ ચૂક્યા છે. આ ઉપરાંત કંડલા બાયપાસથી ઉમિયા સર્કલ સુધી સીસી રોડનું કામ, આદર્શ સોસાયટી સામેકાંઠે સીસી રોડનું કામ, સન ફ્લોરા રેસીડેન્સીમાં સીસી રોડ તથા ગટરનું કામ, ડેવલોપમેન્ટ of પિકનિક સેન્ટર, તેમજ નટરાજ ફાટક પર ઓવરબ્રિજના કામ માટે અને નગર દરવાજાથી દરબારગઢ સુધી ગ્રેનાઈટના કામ માટે તાંત્રિક મંજુરી મેળવવામાં આવી છે....