એલઇ કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે બનેલી ઘટના મોરબી : મોરબી શહેરના એલઇ કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે બે બુલેટ સવારોએ સિરામીક સેનેટરીવેર્સના વેપારીને આંતરી તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયુ કહી વેપારીએ ગળામાં પહેરેલ સોનાના ચેનની ઝોટ મારી લુટી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમીયા સર્કલ પાસે ગોકુલ-મથુરા સોસાયટીમાં લક્ષ્મીકાન્તા એપાર્ટમેન્ટમાં રહેતા સેનેટરીવેર્સના વેપારી ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે એલઈ કોલેજ રોડ ઉપર બે અજાણ્યા બુલેટ સવાર શખ્સોએ ધ્રુવકુમારને બાઈક ઉભું રાખવા કહ્યું હતું. જેથી ધ્રુવકુમાર કાંજીયા બાઈક ઉભું રાખતા જ બન્ને શખ્સ પૈકી પાછળ બેઠેલા ઇસમે કહ્યું હતું કે, તને બાઈક ચલાવતા નથી આવડતું, તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયું તેમ કહી ગળામાં પહેરેલા 35 હજાર રૂપિયાની કિંમતના સોનાના ચેનની ઝોટ મારી નાસી ગયા હતા. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ધ્રુવકુમાર કાંજીયાની ફરિયાદને આધારે અજાણ્યા બુલેટ સવાર બન્ને શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.