એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો ટંકારા : ટંકારા તાલુકાની લજાઈ ચોકડીએ ત્રણ શખ્સોએ પૈસા આપવાને બદલે કન્ટ્રકશનના ધંધાર્થીને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરવાની સાથે ગાડીમાં રહેલ રૂપિયા 1.50 લાખ લઈ લીધા હોવાનો આરોપ લગાવતા આ મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે ટંકારા તાલુકા પંચાયત સામે રહેતા કન્ટ્રકશનના ધંધાર્થી જીતેન્દ્રભાઈ કરશનભાઈ પડાયાએ મોરબી હોસ્પિટલના બિછાનેથી આરોપી કૌશિક રમણિકભાઈ જયસ્વાલ, વિશાલ જયસ્વાલ અને દિવ્યરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી વિશાલના કારખાનામાં રોડ બનાવવાના કામના રૂપિયા 8 લાખ જીતેન્દ્રભાઈને લેવાના નીકળતા હોય આરોપીના કાકા કૌશિકે જીતેન્દ્રભાઈને લજાઈ ચોકડીએ બોલાવી નાણાં આપવાને બદલે કહ્યું હતું કે હવે તને કઈ આપવું નથી કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી જીતેન્દ્રભાઈની કારમા રહેલ રૂપિયા દોઢ લાખ કાઢી લીધા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.