આગોતરા વાવેતર કરનાર નારણકા ગામના ખેડૂતોને 6 દિવસથી અનિયમિત વીજપુરવઠો મળતા ચિંતાના વાદળો ઘેરાયા મોરબી : સરકાર કિશાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને દિવસે પૂરતો સમય વીજળી આપવાના વાયદા કરી રહી છે ત્યારે મોરબી તાલુકાના નારણકા ગામે વીજપુરવઠો અનિયમીત મળતો હોવાથી આગોતરા વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત થયા છે. અને વીજ અધિકારી તરફથી પણ કોઈ જવાબ ન મળતો હોવાની નારણકા ગ્રામ પંચાયત મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજા દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકાના નારણકા ગામની ખેતીવાડી વિસ્તારમાં ખેવાળીયા ફીડરથી વીજપુરવઠો આપવામાં આવે છે. છેલ્લા 6 દિવસથી ખેતીવાડી લાઇટ અનિયમિત છે માત્ર એક જ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે બાકી લાઇટ હોતી નથી. જેથી ખેડૂતોના ખેતરના પાકમાં પાણી આપી શકાતું નથી. અને પાકને નુક્શાન થઈ રહ્યું છે. હાલ નારણકા ગામના ખેડૂતોએ મગફળી, કપાસ વિગેરે પાકનું વાવેતર કરી દિધેલ છે. અને અવાર નવાર આવા પ્રશ્નો રહે છે. લાઈટના હિસાબે પૂરતું પાણી નહીં મળે તો ખેડૂતોની મહેનત અને પૈસા પાણીમાં જશે અને પાક નિષ્ફળ જશે તેવી ભીતિ પણ રજુઆતમાં વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં મહિલા સંરપંચે રજુઆતમાં ઉમેર્યું હતું કે, અનિયમિત અને કલાક જેતો સમય માટે જ વીજ પુરવઠો મળવા અંગે વીજ કચેરીને જાણ કરતા યોગ્ય સહકાર મળતો નથી તથા કોઈ ફોન ઉપાડતું નથી અને વારંવાર એક જ વસ્તુ કેવામાં આવે છે કે ફોલ્ટમાં છે. પરંતુ કેવો ફોલ્ટ, ક્યાં ફોલ્ટ ક્યા કારણે આવુ થઈ રહ્યું છે, કશું જ કહેવામાં આવતું નથી. યોગ્ય જવાબ પણ મળતો નથી. આથી જો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તો કોની જવાબદારી ગણવી તેવો સવાલ ઉઠાવવામાં આવ્યા છે.