રીવોર્ડ પોઇન્ટની લાલચમાં ન આવતા : ઓનલાઇન ગુનાખોરી અટકાવવા પ્રજાજનોને જાગૃત રહેવા જાહેર કર્યા સૂચનો મોરબી : આજના સમયમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મોરબી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમથી બચવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ જાહેર કરી લોકોને જાગૃત બની કેટલીક બાબતો પ્રત્યે જો સજાગતા રાખવામાં આવે તો આસાનીથી ઓનલાઇન ફ્રોડથી બચી શકાય તેમ હોવાનું જણાવી લોકોને સતર્ક, સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો છે. મોરબી સાયબર સેલ દ્વારા લોકોને સજાગ રહેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી મહત્વપૂર્ણ સૂચનો જારી કરાયા છે. જે અંતર્ગત સ્ક્રિન શેરીંગ એપ / રીવોર્ડ પોઇન્ટ જેવી છેતરપિંડીથી બચવા માટે નીચે મુજબની ટિપ્સ આપી છે. 1. રીમોટ એકસેસ એપ્સ ડાઉનલોડ કરશો નહીં અથવા તેની સાથે તમારી ગોપનીય વિગતો શેર કરશો નહીં. 2. ફોન પર ક્યારેય પણ તમારો કાર્ડ નંબર, કાર્ડ એકસપાયરી ડેટ, CW/OTP શેર કરશો નહીં, કોઇ રીવોર્ડ પોઇન્ટ, કોલ્સ, ઇ-મેઇલના પ્રતિભાવમાં આવીને નાણા કે ઓળખપત્રો શેર કરશો નહીં. 3. તમારા ક્રેડીટ/ડેબિટ કાર્ડથી છેતરપિંડી ભર્યા વ્યવહારોના કિસ્સામાં તરત જ બેંક અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરો. એ જ રીતે સાયબર સ્ટોકિંગથી બચવા માટે નીચે મુજબની ટિપ્સ અનુસરવા અનુરોધ કરાયો છે. 1. સાયબર સ્ટોકિંગ એ એક ગુનો છે, જેમાં કોઈ વ્યક્તિ ઈલેક્ટ્રોનિક અથવા ડિજિટલ માધ્યમો, જેમ કે સોશિયલ મીડિયા, ઈમેલ, ઈન્સ્ટન્ટ મેસેજિંગ (IM), અથવા પોસ્ટ કરાયેલા સંદેશાઓનો ઉપયોગ કરીને પીડિતને હેરાન કરે છે અથવા તેનો પીછો કરે છે. 2. મોટાભાગના લોકો તેમના પ્રવાસના દિવસો કે પછી તેમના રોજિંદા જીવનને સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ કરતા હોય છે, જે તેમને સાયબર સ્ટોકિંગનો શિકાર બનાવી શકે છે પરંતુ જો તેઓ તેમના એકાઉન્ટને ખાનગી (Privacy Settings) રાખે તેમજ સોશિયલ નેટવર્કમાં આવતી ફ્રેન્ડ રિકવેસ્ટમાથી જેને ખરેખર/રૂબરૂ જાણે છે, તેવા લોકોની જ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર કરે તો ઓનલાઈન સ્ટેકિંગનો શિકાર બનવાથી બચી શકે છે. બાળકો માટે સાયબર સુરક્ષા ટીપ્સ પણ આપી છે. 1. તમારી અંગત વિગતો જેવી કે નામ, સરનામું, ફોન નંબર, જન્મ તારીખ વગેરે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, બ્લોગ્સ, ટ્વિટર, ચેટ રૂમ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ/ સાર્વજનિક સાઇટ્સ પર ક્યારેય શેર કરશો નહીં. 2. અભદ્ર/અપરાધકારક/સતામણી કરનાર ઈમેલ/ચેટ્સ અથવા પોસ્ટનો જવાબ આપશો નહીં તેમજ તમે પણ એ પ્રમાણે પોસ્ટ કરશો નહીં. 3. તમે જાણતા ન હોવ એવા કોઈના પણ ઈમેલ ખોલશો નહીં કારણ કે તેમા વાયરસ હોય શકે છે. 4. તમારા એકાઉન્ટના પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં. 5. માતાપિતાની મંજૂરી વિના ઓનલાઈન મળેલી કોઈપણ વ્યક્તિ સાથે રૂબરૂમાં મળવા માટે ક્યારેય સંમત થશો નહીં. 6. તમે જેમને વાસ્તવિક જીવનમાં જાણતા ન હોવ અથવા તેમને રૂબરૂ મળ્યા ન હોવ તેવા લોકોને ઓનલાઈન મિત્રો તરીકે ઉમેરશો નહીં. 7. અજાણ્યાઓ સાથે ચેટ કરશો નહીં. 8. ઑનલાઇન કામ માટે સમય મર્યાદા સેટ કરો. સુરક્ષિત ઇન્ટરનેટ બેંકિંગ માટે આટલુ ધ્યાન રાખો. 1. હંમેશા સાર્વજનિક ઉપકરણો પર વર્ચ્યુઅલ કી-બોર્ડનો ઉપયોગ કરો કારણ કે કીસ્ટ્રોકને સમાધાન/છેડછાડ કરેલ ઉપકરણો, કીબોર્ડ વગેરે દ્વારા પણ કેપ્ચર કરી શકાય છે. 2. ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કર્યા પછી તરત જ ઇન્ટરનેટ બેન્કિંગ સાઇટમાંથી લોગ આઉટ કરો. 3. સમયાંતરે તમારો ઇન્ટરનેટ બેન્કિંગનો પાસવર્ડ અપડેટ કરતા રહો. 4. તમારા ઈમેલ અને ઈન્ટરનેટ બેંકિંગ માટે સમાન પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં. 5. નાણાકીય વ્યવહારો માટે જાહેર ટર્મિનલ (દા.ત. સાયબર કાફે વગેરે) નો ઉપયોગ કરવાનું ટાળો તેમજ જ્યારે પણ શક્ય હોય ત્યારે two-factor authentication નો ઉપયોગ કરો 6. કેટલાક હેકર્સ 'ફિશીંગ' ઈમેલ મોકલે છે, જે તમારી બેંકમાંથી હોય તેવું લાગે છે. જેથી, ઈમેઈલ કે અન્ય મેસેજમા આવેલ લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં, જે તમારી બેંકની હોય, પછી ભલે તે કાયદેસર લાગે. તેના બદલે યુ.આર.એલ. બારમાં બેંકનું વેબ સરનામું જાતે લખી સર્ચ કરો/શોધો. સાયબર સેલની મદદ માટે હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરી શકાય છે. તથા સાઇબર ક્રાઇમનો ભોગ બનતા www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે. તેમજ મોરબીવાસીઓ જરૂર પડ્યે મોરબી પોલીસના લેન્ડલાઈન નંબર 02822-243478 પર સંપર્ક કરી શકે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..