મોરબીના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવાની સાથે અન્ય 10 મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો મોરબી : હવે તસ્કરો પણ આધુનિક બની ઇન્ટરનેટ અને ગુગલમેપનો સહારો લઇ ચોરી કરતા થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબીના લીલાપર ખાતે આવેલ મેલડી માતાજીના મંદિરે તાવાની માનતા પુરી કરવાને બહાને રૂપિયા 80 હજારની કિંમતના બે સોનાના છત્તરની ચોરીના બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ માત્રને માત્ર મંદિરને જ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા રાજકોટના સાગર ઉર્ફે લાલો નામના શખ્સને દબોચી લઈ અન્ય 10 મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખી તસ્કરના અન્ય સાગરિતનું નામ ખોલાવવામાં પણ સફળતા મેળવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે આવેલ મેલડી માતાજીના મંદિરમાં ગત તા.4ના રોજ બપોરના સમયે તાવો કરવાના બહાને આવી મંદિરમાં ભકતોએ ચડાવેલ એક-એક તોલા વજનના સોનાના છત્તર નંગ-2 કિંમત રૂપિયા 80 હજારની ચોરી થતા આ બનાવ અંગે બાબુભાઇ અણદાભાઇ ખાંભલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આ ચોરીના બનાવનો ભેદ ખોલવા મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીદારોને કામ લગાડી ટેક્નિકલ સર્વેલન્સને આધારે રાજકોટ હુડકો ચોકડી નજીક છોટુનગરમાં રહેતા મૂળ ગોંડલના વતની આરોપી સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહેલને ચોરીમાં ગયેલા બન્ને છત્તર સાથે દબોચી લીધો હતો.વધુમાં પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુગલ મેપને આધારે સર્ચ કરી મંદિરને શોધી બાદમાં માનતા પુરી કરવાને બહાને કોઈની અવરજવર ન હોય ત્યારે મંદિરમાંથી ચોરી કરતો હોવાની કબૂલાત આપી હતી. જો કે, મોરબીના લીલાપરમાં પોતે એકલાએ ચોરી કરી હોવાનું કબૂલી અન્ય નવ ચોરીના કિસ્સામાં તેના સાગરીત એવા આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ સાથે મળી લોધિકાના ચીભડાં ગામે હનુમાનજી મંદિર, ટંકારાના હડમતીયા ગામે ચામુંડા માતાજીના મઢમાં, રાજકોટના થોરાળામાં, જૂનાગઢના વડાલામાં, લતીપર, જસદણ અને ધોરાજી તાલુકામાં મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ બી.જી.જેઠવા, એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કૉન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, જનકસિંહ પરમાર, વિજયભાઇ ડાંગર, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, પંકજભાઇ ગુઢડા, વનરાજસિંહ ચૌહાણ, કિશોરભાઇ દાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઇ મોરી, હરપાલસિંહ ઝાલા, દિપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.