ફાસ્ટેગ બાદ હવે મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ તરફ આગળ વધતું ભારતમોરબી : કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ વૈશ્વિક ફિનટેક ફેસ્ટમાં જાહેરાત કરી છે કે આગામી ફેબ્રુઆરી સુધીમાં દેશભરમાં બેરિયર ફ્રી ટોલ કલેક્શન વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવશે. આ સિસ્ટમ લાગુ થયા બાદ વાહનોને ટોલ પ્લાઝા પર એક સેકન્ડ માટે પણ રોકાવું નહીં પડે અને વિના અડચણે પસાર થઈ શકશે. ફાસ્ટેગના આગમનથી ટોલ પર રાહ જોવાનો સમય ૮૦ થી ૯૦ ટકા સુધી ઘટ્યો છે, જેનાથી વાર્ષિક ૭૧ કરોડ કલાક અને અંદાજે ૬૮,૫૦૦ કરોડ રૂપિયાની આર્થિક બચત થાય છે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફિંટેક ફેસ્ટમાં જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હાઇવે પર વાહનોનું સ્ટોપેજ સંપૂર્ણપણે ખતમ કરવાનો, બળતણની ખપત ઘટાડવાનો અને ટોલ ઓપરેશનનો ખર્ચ ઓછો કરવાનો છે. આ હેતુસર મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ફાસ્ટેગ, વાહન ડેટાબેઝ, વીમા અને બેન્કિંગ સિસ્ટમ્સ એકબીજા સાથે જોડાઈ જશે. આ ડિજિટલ પરિવર્તનથી ફિનટેક કંપનીઓ માટે પણ નવી તકો ઊભી થશે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ટેકનોલોજીની સાથે-સાથે સેવાની ગુણવત્તા વધારવા માટે આ ક્ષેત્રમાં વધુ સ્પર્ધાની પણ આવશ્યકતા છે.