ડબલ ઘોડા સહિતની નામે ઓળખાતી બોટલની નશા માટે બેરોકટોક ઉપયોગ મોરબી : થર્ટી ફર્સ્ટના નામે મોરબીમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી છે તેવા સમયે જ પોલીસના નાક નીચે મોરબીમાં ડબલ ઘોડાએ હણહણવાનું શરૂ કર્યું છે. પાનની દુકાનથી લઈ મેડિકલ સ્ટોર સુધી સર્વત્ર આસાનીથી 150 રૂપિયામાં બીયરના ડબલા જેવો નશો કરાવતા ડબલ ઘોડા અને લાલ, કાળી તેમજ લીલી બોટલના નામે વેચાતા આ ડ્રિંક્સના બંધાણીઓની સંખ્યામાં દિવસે - દિવસે વધારો થઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી અમલમાં છે પરંતુ આમ છતાં ગુજરાતમાં દરરોજ કરોડો રૂપિયાનો દારૂ ઝડપાઇ છે એવામાં નશાના કારોબારીઓ દ્વારા પોલીસની નજરથી બચવા નવો નુસખો અપનાવી માર્કેટમાં અલગ-અલગ બ્રાન્ડથી 150 રૂપિયાના ભાવે એનર્જી અને આયુર્વેદિક ડ્રિન્ક લોન્ચ કરી દીધા છે. હાલમાં મોરબી શહેરના તમામ વિસ્તારમાં આ એનર્જી અને આયુર્વેદિક ડ્રિંક્સ ખુલ્લે આમ પાનની દુકાનથી લઈ મેડિકલ સ્ટોરમાં વેચાઈ રહ્યા છે અને પ્યાસીઓ હોસે-હોસે આ વાસ, ગંધ વગરના આયુર્વેદિક ડ્રિંક્સની મજા લૂંટી રહ્યા છે. ખાસ કરીને મોરબી શહેરમાં નશેડી તત્વોને એક બોટલમાં મોજ અપાવતી આ બોટલ ઉપર કાલમેઘ, કુટકી, સૂંઠ, હરીતકી, લાલચંદન, ઉસીરા, ધતા કી પાવડર સહિતના આયુર્વેદિક તત્વો કન્ટેન્ટમાં હોવાનું દર્શાવી ફ્રીઝકોલ્ડ બોટલ રૂપિયા વેચવામાં આવી રહ્યું છે અને આ બોટલ ઉપર દરરોજ 45 મિલી ડ્રિંક્સ લેવાની સલાહ આપવામાં આવી રહી છે આ સંજોગોમાં પોલીસ આ દિશામાં પણ નજર દોડાવે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.