હેવી વાહનમાંથી કોન્ક્રીટ ઢોળાતા અન્ય વાહનચાલકોને ભારે હાલાકી : એક વર્ષ પહેલાં તૂટેલી લોખંડની આડશને હજુ સુધી રીપેર ન કરતા ભારે વાહનોની બેરોકટોક અવરજવર મોરબી : મોરબીમાં ભારે વાહનની અવરજવર ઉપર પ્રતિબંધ હોવા છતાં આ પ્રતિબંધની ઐસી તૈસી કરીને ભારે વાહનો બેરોકટોક અવરજવર કરતા હોવાથી ભારે મુશ્કેલીઓએ સર્જાઈ છે. જેમાં મોરબીના બેઠાપુલ ઉપર એક ભારે વાહન ગેરકાયદે ઘુસી ગયા બાદ આ હેવી વાહનમાંથી કોન્ક્રીટનો રોડ ઉપર પથારો થયો હતો. આથી, અન્ય નાના વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોરબી શહેરમાં ટ્રાફિકના નિયત્રણ માટે ભારે વાહનની અવરજવર ઉપર અંકુશ લાદવામાં આવ્યો છે. વર્ષોથી ભારે વાહનોને શહેરમાં અવરજવર ઉપર પ્રતિબંધ હોવા છતાં આ પ્રતિબંધનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા બધા ભારે વાહનો અને ઓવરલીડ માલ ભરેલા વાહનો ગેરકાયદે શહેરમાંથી બેરોકટોક અવરજવર કરે છે. દરમિયાન આજે વહેલી સવારે બેઠાપુલ ઉપર એક ઓવરલોડ માલ ભરેલું હેવી વાહન ગેરકાયદે ઘુસી ગયું હતું. આ ભારે વાહનમાં કોન્ક્રીટનો માલ ઓવરલોડ ભરેલો હોવાથી પસાર થતી વખતે કોન્ક્રીટનો જથ્થો પથરાઈ ગયો હતો. રોડ ઉપર ઝીણી કપચી ઢોળાતા નાના વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી અને નાના વાહનો ઝીણી કપચીથી સ્લીપ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બેઠાપુલ ઉપર અગાઉ ભારે વાહનની અવરજવરના અવરોધ માટે મુકાયેલી લોખંડની આડશ કોઈ ભારે વાહને તોડી નાખી હતી. એક વર્ષ પહેલાં તૂટેલી આ આડશને રીપેર કરવાનો હજુ સુધી તંત્રને ટાઈમ મળ્યો નથી. આથી, ભારે વાહનોની મનમાની યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.