સીએમની ઉપસ્થિતિ અમદાવાદમાં યોજાયેલ નિધિ સમર્પણ સમારોહમાં સંસ્થા વતી ઈશ્વરચરણ સ્વામીએ ચેક અર્પણ કર્યો (કેતન ભટ્ટી) વાંકાનેર : ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણાધીન રામમંદિર માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રૂ. બે કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનું અનુદાન કરવામાં આવતા અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નિધિ સમર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અન્વયે મોરબી ક્ષેત્રનાં સંતનિર્દેશક હરિસ્મરણ સ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત તા. 13 ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદ બી.એ.પી.એસ. મંદિર, શાહીબાગ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રીરામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજનાં સાનિધ્યમાં ભવ્ય નિધિ સમર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે ગોવિંદ દેવગીરી મહારાજે જણાવ્યું હતું કે જે સ્થાનથી પ્રમુખ સ્વામી મહારાજનાં હસ્તે મંદિર નિર્માણની શીલાનાં પૂજનનો આરંભ થયો હતો, એ સ્થાનમાં આજે પુન: રામમંદિર માટે એકત્રિત થયા છીએ, તે ધન્ય અનુભૂતિ છે. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે રામ શીલાનું પૂજન કરેલું અને ત્યારે આશીર્વાદ આપેલા અને વર્તમાનમાં મહંત સ્વામી મહારાજ રામ મંદિરમાં યોગદાન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થાનાં સદ્દગુરુ ઈશ્વરચરણ સ્વામીના હસ્તે સંસ્થા વતી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે રાષ્ટ્ર અને સંસ્કૃતિનું એક સ્વાભિમાન જાગશે. જેનો પડઘો આવનારી અનેક પેઢીઓ પર પડશે.