મોરબી : ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર નામથી એરસ્ટ્રાઈક કરવામાં આવેલ હતી. જે અનુસંધાને હાલ ભારત પાકિસ્તાન દેશો વચ્ચે તણાવજનક સ્થિતિ હોઈ, જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તા.૧૫ મે સુધી મોરબી જિલ્લા ખાતે કોઈ પણ જાતના ડ્રોનના ઉપયોગ તથા કોઈ પણ જાતના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ કલેકટર દ્વારા મોરબી જિલ્લાની હદ વિસ્તારમાં કોઈ પણ જાતના ડ્રોનના ઉપયોગ તથા કોઈ પણ જાતના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરાયા છે.