ઉતરાયણના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું મોરબી : ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે એ જ રીતે પક્ષીઓ અને માનવ માટે ઘાતક ચાઈનીઝ દોરાનું પણ વેચાણ થતું હોય મોરબી જિલ્લામાં તારીખ 25 જાન્યુઆરી સુધી ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિના જાહેર રસ્તા(ફૂટપાથ સહિત) ઉપર પતંગ ઉડાવવા પર, હાથમાં લાંબા ઝંડા, વાંસના બાંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વગેરેની મદદથી કપાયેલ પતંગો કે દોરા મેળવવા પર, ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર લંગર કે દોરી નાખવા ઉપર, જાનનું જોખમ થાય તે રીતે રસ્તા(ફૂટપાથ સહિત) ઉપર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાવવા ઉપર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર મનાઈ ફરમાવાઈ છે. વધુમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્લાસ્ટિક/સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/ચાઇનીઝ માંજાના પાકા દોરા તથા ચાઇનીઝ પ્લાસ્ટિકની બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના પતંગ ઉડાવવા ઉપર, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ / ઉડાવવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે.