આ પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ 10-4-2025 સુધી અમલમાં રહેશેમોરબી : મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તા. 1-7-1989 થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારશ્રીના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે સ્થિત સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબી ખાતે સમગ્ર કમ્પાઉન્ડમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલા હોય, વ્યાજબી કામ સબબ આવેલા અરજદારો તથા નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, વ્યક્તિઓના ટોળાઓને આ કચેરી અને આસપાસના વિસ્તારમાં પ્રવેશ કરવા પર અટકાવવા, ઊભા રહેવા અને અત્રે જણાવેલ તમામ બાબતો અનુસાર ગેરકાયદેસર કામગીરી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ 10-4-2025 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.