મંદિર, ચબુતરો, ગૌશાળા માટે દાન આપવાની સાથે હવે બાળકોના ઉજ્જવળ ભાવિ માટે શિક્ષણ માટે દાન : શાળાને પ્રજ્ઞા કીટ ભેટ અપાઈ મોરબી : મોરબી તાલુકાના નાના એવા પીલુડી ગામમાં વર્ષોથી અનોખી પરંપરા નિભાવી દીકરી-દીકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે ગામના મંદિર, ચબુતરો, ગૌશાળા, જેવા પ્રકલ્પો માટે ચોક્કસ રકમ અલગ કાઢી સેવા કાર્ય કરવામાં આવે છે. જેમાં વધુ એક પ્રકલ્પ ઉમેરી સ્વતંત્ર્યતા પર્વે શાળાના બાળકોના શિક્ષણ માટે પ્રજ્ઞા કીટની ભેટ ધરી હતી. તો ગામના સરપંચ દ્વારા શાળાના પ્રાંગણ માટે સિમેન્ટ બ્લોક નાખવાના પ્રોજેક્ટની જાહેરાત કરી બાલ દેવો ભવ:ના નવા મંત્રને અનુસરવા પ્રેરણા પુરી પાડી હતી. આશરે 500 માણસોની વસ્તી ધરાવતા મોરબી તાલુકાના પીલુડી ગામમાં વર્ષોથી એવી પરંપરા રહેલી છે કે દીકરી - દીકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે ગામના મંદિર, ચબુતરો, ગૌશાળા, જેવા ક્ષેત્રો માટે શીખ (એટલે અમુક રોકડ રૂપિયાનું દાન) કરવામાં આવે છે. પરંતુ આ ગામ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ગામની શાળા માટે પણ આ શીખમાંથી અમુક રકમ શિક્ષણમાં દાનપેટે આપવી અને ગામમાં જે દીકરા-દીકરીના જન્મદિવસ પાછળ ખોટો દેખાદેખીનો ખર્ચ ન કરતા આ ભંડોળમાં આવી રકમ આપીએ એકત્ર કરીએ અને શાળાને જરૂરી હોય એવી વસ્તુ લઈ આપવી. જે અન્વયે આ સમગ્ર પ્રવૃત્તિના સંચાલક અને પીલુડી પ્રાથમિક શાળા વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ જાડેજા હરપાલસિંહ અને તેઓની ટીમ દ્વારા બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય એ માટે રૂપિયા 6000ના ખર્ચે પ્રજ્ઞા કીટ શાળા માટે મંગાવી સ્વતંત્રતા દિન નિમિત્તે ગામલોકો દ્વારા પીલુડી પ્રાથમિક શાળાને અર્પણ કરવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ દ્વારા પણ પ્રાથમિક શાળાના મેદાનમાં બ્લોકના કામની જાહેરાત કરી હતી. આ તકે શાળાનાં આચાર્ય રાબડીયા જીગ્નેશભાઈએ અને ધો.1,2ના પ્રજ્ઞા શિક્ષક વાધડિયા ઉષાબેને ગ્રામજનોનો અને સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..