અન્ય એક આરોપીની આગોતરા જામીનની અરજી પણ કોર્ટે મંજુર કરી : બે આરોપીઓ હજુ જેલહવાલે મોરબી : ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવાના કેસમાં જેલહવાલે થયેલા 6 શખ્સોની જામીન અરજી કોર્ટે મંજુર કરી આપી છે. આ સાથે આ કેસના અન્ય એક આરોપીની પણ કોર્ટે આગોતરા જામીનની અરજી મંજુર કરી આપી હોવાનું જાણવા મળ્યું છે. ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂ સંતાડેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે બે રાત્રીના સમયે ટંકારા પોલીસ મથકનો ડી સ્ટાફ ત્યાં દારૂની રેડ કરવા પહોચ્યો હતો. તે દરમ્યાન ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો.જેમાં 4 પોલીસકર્મીને ઇજાઓ થઈ હતી.આ બનાવ બાદ પોલીસે જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, અમૃત ઉફે અમરૂ જીવણભાઈ કોળી,જસમતભાઈ સોંડાભાઈ સિપરિયા ,પરાક્રમસિંહ મહિપાલસિંહ ઝાલા,ભવાનભાઈ અમૃતભાઈ સિપરિયા ,મહાવીરસિંહ રણજીતસિંહ ઝાલા અને કુલદીપસિંહ દેવુભા જાડેજાને પકડી જેલહવાલે કર્યા હતા. બાદમાં આરોપી પક્ષે રોકાયેલા એડવોકેટ નરેન્દ્રસિંહ જોરૂભા ઝાલા અને યોગરાજસિંહ જનકસિંહ જાડેજાએ એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા આજે તેઓની ધારદાર દલીલોને ધ્યાને રાખીને જજ એમ.કે. ઉપાધ્યાયે આરોપી પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા,જસમતભાઈ સોંડાભાઈ સિપરિયા , પરાક્રમસિંહ મહિપાલસિંહ ઝાલા,ભવાનભાઈ અમૃતભાઈ સિપરિયા ,મહાવીરસિંહ રણજીતસિંહ ઝાલા અને કુલદીપસિંહ દેવુભા જાડેજાના રેગ્યુલર જામીન મંજુર કરી આપ્યા છે. આ ઉપરાંત આ કેસના અન્ય આરોપી ઇન્દ્રાબા પ્રવિણસિંહ ઝાલાની આગોતરા જામીનની અરજી પણ કોર્ટે મંજુર કરી આપી છે.