મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં હાલ જેલહવાલે રહેલા બે કોન્ટ્રાકટરોએ વકીલ મારફત જામીન અરજી કરી હતી. આજે આ જામીન અરજીની કોર્ટમાં સુનાવણી દરમિયાન આગામી તા.9ની મુદત પડી છે. મોરબી ઝૂલતાપૂલ કેસમાં અગાઉ નવ આરોપીઓ પકડાયા બાદ ત્રણ મહિના પછી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરતા પોલીસને તપાસ દરમિયાન ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલ સામે સજ્જડ પુરાવા મળતા તેમને દસમા અને મુખ્ય આરોપી તરીકે ફિટ કરી તેમની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોર્ટમાં તાજેતરમાં જયસુખ પટેલે શરણાગતિ સ્વીકારતા અંતે તેમની ધરપકડ બાદ હાલ તેઓ રિમાન્ડ ઉપર છે. દરમિયાન થોડા સમય પહેલા કેસમાં જેલહવાલે રહેલા 9માંથી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પણ કોર્ટે આ જામીન અરજી નકારી કાઢી હતી. હવે આ કેસમાં જેલહવાલે રહેલા બે કોન્ટ્રાકટરો પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારેએ પણ કોર્ટમાં જામીન અરજી કરી હોય આજે તેની સુનાવણી દરમિયાન આ અંગેની વધુ સુનાવણી 9મીએ થશે