મોરબી : મોરબીને વ્યસનમુક્ત કરવાના અભિગમ સાથે કાર્યરત કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આ અભિયાનને મોરબી બાદ ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ આજે બગથળા ગામે ગામના ભાઈઓ બહેનો અને યુવાનો માટે જુદા જુદા ચાર વિભાગમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન અહીંના નકલંગધામ મંદિરમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગામના 25થી વધુ યુવાનો અને બહેનોએ ભાગ લઈ અસરકારક વક્તવ્ય રજૂ કર્યુ હતું.આ અવસરે બગથળા નકલંગ મંદિરના મહંત દામજીભગત, કોમનમેન ફાઉન્ડેશન ડો સતીષભાઈ પટેલ, ડો રાકેશભાઈ તથા નિર્ણાયક તરીકે જાણીતા વક્તા શ્રી રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રો મનહર સુદ્રા, માહિતી ખાતાના બળવંતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રત્યેક વિભાગમાં ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામો આપી સન્માનવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેકને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મયુરભાઈ ઠોરીયાએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રાસાલા સાહેબ, ધરતી બેન બરાસરા તથા બગથળાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલયના સ્ટાફ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે