કેનાલની માત્ર એક જ બાજુની સાઈડમાં સફાઈ થઈ હોવા તેમજ બાવળ સહિતનો કચરો દૂર ન કરાયો હોવાના આક્ષેપોમોરબી: મોરબી તાલુકાના બગથળા ગ્રામ પંચાયતના સરપંચ રેખાબેન હરેશભાઈ મેરજાએ ગામની હદમાં આવતી મચ્છુ-2 કેનાલની સફાઈના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે સિંચાઈ વિભાગ, મોરબીના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. તેમજ આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રવાના કરવામાં આવી છે.બગથળા સરપંચે જણાવ્યું છે કે મચ્છુ-૨ કેનાલની સફાઈનું કામ ચાલુ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલની માત્ર એક જ બાજુની સાઈડમાં સફાઈ કરવામાં આવી છે. કેનાલની બીજી બાજુની સાઈડમાં સફાઈ કરવામાં આવી નથી, તેમજ બાવળ સહિતનો કચરો પણ દૂર કરાયો નથી. આ અપૂરતા કામને કારણે સફાઈના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ આ બાબતે સિંચાઈ વિભાગના અધિક મદદનીશ ઇજનેરને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ યોગ્ય કામગીરી ન થઈ હોવાનું જણાવ્યું છે. સરપંચે કાર્યપાલક ઇજનેરને અપીલ કરી છે કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરી તમામ જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય પગલાં લેવામાં આવે. તેમજ કોન્ટ્રાક્ટરને ખોટા કામનું બિલ ન ચૂકવવાની પણ માંગણી કરવામાં આવી છે.