રોડમાં ખાડા પડી ગયા : થીગડા મારવા આવેલ કોન્ટ્રાક્ટરનું ગ્રામજનોએ કામ અટકાવ્યું હળવદ : ગામ હોય કે શહેર મોટાભાગે સરકારી કામમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ ફુફાડા મારતો હોય છે. ત્યારે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે અંદાજે બે માસ અગાઉ બનાવેલ સી.સી રોડમાં ખાડા પડી ગયા હોય અને અત્યારથી જ રોડ ઉખડવા માંડતા કોન્ટ્રાક્ટરની પોલ છતી ન થાય તે માટે આજે કોન્ટ્રાક્ટર દ્વારા રોડને થીગડા મારવાનું કામ હાથ ધરાયું હતું. જોકે, જાગૃત ગ્રામજનો દ્વારા આ કામ અટકાવી આ અંગે સોમવારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે બે માસ અગાઉ ગામની મેઈન બજારમાં સીસી રોડનું કામ કરવામાં આવ્યું હતું. જોકે, આ કામ નબળુ થયું હોવાનું જે તે સમયે ગામના જાગૃત લોકો દ્વારા ગાંધીનગર સુધી રજુઆત પણ કરવામાં આવી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સી.સી. રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો છે. હમણાં થોડા દિવસ પહેલા આવેલ વરસાદને કારણે રોડમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હોય જેના કારણે પાણી ભરાયુ હતું. આજે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ જે જગ્યાએ ટુટી ગયો છે ત્યાં થીગડા મારવાનું કામ ચાલુ કર્યું હતું. જોકે ગામના લોકો દ્વારા આ કામ અટકાવામાં આવ્યું છે અને રોડની નબળી કામગીરી બાબતે વીડિયો પણ વાયરલ કર્યો છે. સાથે જ ગ્રામજનોએ વધુમાં એ પણ જણાવ્યું છે કે, આ બાબતે સોમવારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવશે.