શહેર ફરતે આવેલા હજારો ઉધોગગૃહોની ફાયર સેફટી સ્વભરોસે : રાજ્યમાં તાજેતરમાં બનેલા ઔધોગિક આગના અકસ્માતો બાદ મોરબી ફાયર વિભાગ હજી પણ સુસ્તીમાં : ફાયર વિભાગને અત્યાધુનિક બનાવવાનો સમય પાકી ગયો છે મોરબી : છેલ્લા ત્રણ-ચાર માસ દરમ્યાન ગુજરાતમાં ઔધોગિક વિસ્તારોમાં આગ અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. સુરત, અંકલેશ્વર, અમદાવાદ સહિતના ઔધોગિક વિસ્તારોમાં આગ લાગવાને કારણે કરોડોના નુકશાન ઉપરાંત અમૂલ્ય માનવ જિંદગી પણ હોમાઈ છે ત્યારે મોરબી શહેરમાં ફાયર સેફટીને લઈને હજુ તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય એવું લોકોને પ્રતિત થઈ રહ્યું છે. મોરબી શહેર દિવસે દિવસે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. બહુમાળી ઇમારતોની સંખ્યા સતત વધી રહી છે. આજથી દિવાળી પર્વ પણ શરૂ થઇ રહ્યા છે. દિવાળીના પર્વ દરમિયાન આતશબાજીને પગલે આગજનીના બનાવોમાં ઉછાળો આવતો હોય છે. આવા સમયે ફાયર બ્રિગેડની જવાબદારી અતિ મહત્વની બની જતી હોય છે. મોરબી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી દરમિયાન આગ અકસ્માતનું જોખમ વધી જતું હોય છે. જો ફાયર બ્રિગેડની ટીમ સમયસર ન પહોંચે તો મોટી જાનહાની સર્જાઈ શકે છે. મોરબી જિલ્લાનું વડું મથક હોય મોરબી શહેર ફાયર સુવિધા ધરાવે છે. જોકે માળીયા અને ટંકારા તાલુકામાં ફાયર સ્ટેશન ન હોવાનાં કારણે આ બન્ને તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારો પણ મોરબીના ફાયર બ્રિગેડ પર આધારિત છે. આગ લાગે ત્યારે મોરબીના ફાયર વિભાગ ક્યાં ક્યાં દોડે તે એક સવાલ છે. સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે મોરબી નગરપાલિકા પાસે પણ પૂરતા પ્રમાણમાં અગ્નિશામક સાધનોનો અભાવ છે. મોરબી પાલિકા પાસે સમ ખાવા પૂરતું એક જૂનું પુરાણું મોટું ફાયર બ્રાઉઝર જયારે બે મીની ફાયર બ્રાઉઝર ઉપલબ્ધ છે. મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારને ધ્યાનમાં લઈ બમણા ફાયર સાધનો વસાવવા જરૂરી છે. જો એક સાથે બે કે તેથી વધુ સ્થળે કદાચ આગ લાગે તો પહેલા ક્યાં આગ બુઝાવવા જવું તે વિચારવું પડે તેમ છે. આવી આગથી જાન માલને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં ફાયર સ્ટેશન આપવા મોરબીવાસીઓની વર્ષો જુની માંગણી રહી છે. રાજય સરકાર દ્વારા આ માટે મંજૂરી પણ આપવામાં આવી છે. મોરબી પાલિકા પાસે સ્ટાફ અને તે અંગેની વિગતો ભૂતકાળમાં રાજ્ય સરકારે મંગાવી હતી. જોકે બાદમાં સરકારે આ ફાઈલો અભેરાઈ પર ચઢાવી દીધી હોવાથી મોરબીવાસીઓ સાથે જાણે છેતરપીંડી થઈ હોય તેવી લાગણી સ્થાનિકોમાં ફેલાઈ છે. હવે સરકાર ફરી આ કામગીરી ક્યારે આગળ વધારે છે અને મોરબીને નવા ફાયર સાધનો ક્યારે અને કેટલા મળે તે એક સવાલ છે. સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર, ભઠ્ઠી, કેમિકલ, હેવી ઇલેક્ટ્રિક પાવર સપ્લાય સહિતની જરૂરિયાત આવશ્યક છે. આ તમામ વર્ક સિસ્ટમમાં જો કે સદભાગ્યે હજી કોઈ મોટો અકસ્માત થયો નથી. જોકે આગળ પણ નહીં જ થાય એવી કોઈ ખાત્રી આપી શકાય નહીં. અલબત્ત તમામ યુનિટો મોટે ભાગે ફાયર સેફટી સુવિધા ધરાવતા હોય છે; આમ છતાં મોટા અકસ્માતમાં ફાયર સુવિધા અત્યંત જરૂરી બની જતી હોય છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate