તા. ૨૩મી ડિસેમ્બર - ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહની જન્મજયંતી'ભારતના ખેડૂતોના ચેમ્પિયન'નો ખિતાબ ચૌધરી ચરણસિંહનાં શિરે : જમીનદારી પ્રથા નાબૂદીમાં અમૂલ્ય ફાળોમોરબી : ખેતીપ્રધાન દેશ ભારતમાં ૨૩મી ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ ૨૩ ડિસેમ્બર, ૧૯૦૨ના રોજ થયો હતો. ચૌધરી ચરણસિંહ ખેડૂતોના ઉદ્ધારક તરીકે જાણીતા છે. એક ખેડૂત હોવાને કારણે ખેડૂતોની સમસ્યાઓ અને પરિસ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હતા. સત્તામાં આવ્યા પછી તેમણે કૃષિલક્ષી ઘણા સુધારા કર્યા હતા. આથી, વર્ષ ૨૦૦૧થી ચૌધરી ચરણસિંહના માનમાં, તેમના જન્મદિવસ ૨૩મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દિવસે દેશના વિકાસ અને પ્રગતિમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવામાં આવે છે. આ માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો એક હેતુ ખેડૂતો કૃષિ ક્ષેત્રે અદ્યતન શિક્ષણ મેળવીને સશક્ત બને તેવો પણ છે. ભારત મુખ્યત્વે કૃષિ આધારિત દેશ છે, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને ભારતના નાગરિકો દેશના વિકાસને ટકાવી રાખવા માટે ખેડૂતો પર ખૂબ આધાર રાખે છે. ભારતના લગભગ અડધા ગ્રામીણ પરિવારો ખેતીમાં હિસ્સો ધરાવે છે. ૨૦૧૯ સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે (SAS) અનુસાર, ગ્રામીણ ભારતમાં ૯૩.૧ મિલિયન કૃષિ પરિવારો છે.'ખેતરમાં અથવા બાગાયતી પાકો, પશુધન અથવા રૂ. ૪૦૦૦ કરતાં વધુ મૂલ્યની અન્ય નિર્દિષ્ટ કૃષિ પેદાશોનું ઉત્પાદન કર્યું હોય અને સર્વેક્ષણ પહેલાના ૩૬૫ દિવસમાં કૃષિમાં સ્વરોજગાર ધરાવતા સભ્ય હોય તેમને કૃષિ પરિવાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.' આ કૃષિ પરિવારોના ઉત્થાનના પાયામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું અનન્ય યોગદાન છે. દર વર્ષે આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો ખેડૂત સમુદાય પર નોંધપાત્ર અસર કરે છે અને તેમની આકાંક્ષાઓ અને માંગણીઓને અવાજ આપવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે.કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તેમના ઉત્પાદનને મહત્તમ કરવામાં મદદરૂપ થવા ટેકનોલોજી અને વિજ્ઞાનમાં નવીનતમ પ્રદર્શન કરે છે. સરકાર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને ખેડૂતોને ટેકો પણ આપે છે જેમાં વિજેતાઓને ઈનામો આપવામાં આવે છે.________________________________ચૌધરી ચરણસિંહ વિષે ઝલકચૌધરી ચરણસિંહનો જન્મ ૨૩ ડિસેમ્બર,૧૯૦૨ના રોજ ઉત્તરપ્રદેશમાં એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. મહાત્મા ગાંધીના અહિંસાના વિચારથી પ્રભાવિત થઈને સિંહે સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશ કર્યો. આઝાદી પછી, તેમણે પોતાને ગ્રામીણ વિસ્તારોમાં સમાજવાદ સાથે જોડ્યા હતા.તેઓ ઉત્તર પ્રદેશમાં જમીન સુધારણાના મુખ્ય ઘડવૈયા હતા. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરાવી હતી. તેમણે દેવું મુક્તિ વિધેયક ૧૯૩૯ની રચના અને અંતિમ સ્વરૂપમાં અગ્રણી ભાગ લીધો, આ વિધેયક એ ગ્રામીણ દેવાદારોને મોટી રાહત આપી હતી. ભારતના કૃષિ સુધારામાં ભૂતપૂર્વ વડાપ્રધાનનું યોગદાન સીમા ચિહ્નિત રૂપ છે. ચૌધરી ચરણસિંહને સમગ્ર દેશમાં ખેડૂતોના ઉત્થાન અને કૃષિના વિકાસ માટેના તેમના કાર્ય માટે 'ભારતના ખેડૂતોના ચેમ્પિયન'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.તેમણે ખેડૂતોના ઉત્થાન પર અનેક પુસ્તકો પણ લખ્યા છે. કેટલાક અગ્રણી શીર્ષકો છે - 'જમીનદારી નાબૂદી', 'સહકારી ખેતી X', 'પ્રિવેન્શન ઓફ ડિવિઝન ઓફ હોલ્ડિંગ્સ બિલો અ સર્ટેઈન મિનિમમ'.________________________________