વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પનું પણ આયોજનમોરબી : આગામી તારીખ 27 અને 28 ડિસેમ્બરના રોજ મોરબીના રવાપર ગામે આવેલા ઉમા હોલ ખાતે નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત- મોરબી દ્વારા આયુષ મેળો તથા વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.27 અને 28 ડિસેમ્બરના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાનાર આ આયુષ મેળામાં યોગ નિદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, આયુર્વેદિક પ્રદર્શન, આયુર્વેદિક રેસિપી, હોમિયોપેથિક પ્રદર્શન સહિતના આકર્ષણો ઉપલબ્ધ હશે. આ ઉપરાંત નિદાન સારવાર કેમ્પ, પંચકર્મ સારવાર, અગ્નિકર્મ સારવાર, સુવર્ણપ્રાશન, અમૃત પેય વિતરણ સહિતની સેવાઓ ઉપલબ્ધ હશે. આ કાર્યક્રમના અધ્યક્ષ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી છે. જ્યારે અતિથિ વિશેષ તરીકે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા, પુનમબેન માડમ, ચંદુભાઈ શિહોરા, કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. આ આયુષ મેળાની મુલાકાત લેવા મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પી.એ. વડાવિયા અને મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટના વૈદ્યપંચકર્મ ડો. અરુણાબેન નિમાવત દ્વારા આમંત્રણ પાઠવાયું છે.