નવા બિલ્ડીંગમાં આયુર્વેદ વિભાગ માટે જગ્યા ન ફાળવાતા સરકારનું ધ્યાન દોરાયું : જૂની સિવિલ હોસ્પિટલમાં જગ્યાનો અભાવ હોવા છતાં ઓપીડીમાં દૈનિક 70થી 80 દર્દીઓ આવે છે750 બેડની નવી સિવિલ હોસ્પિટલમાં ચારથી પાંચ રૂમ ફાળવવા માટે મેડિકલ કોલેજના ડીનને પણ રજુઆતમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ભણેલા ગણેલા લોકો મોટા પ્રમાણમાં આયુર્વેદ તરફ વળ્યા છે તેવા સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલ સતાવાળાઓ દ્વારા આયુર્વેદ શાખાનું ઓપરેશન કરવાની પેરવીમાં હોવાનું અને રાજકોટ રોડ પર સ્થળાંતર બાદ વિશાળ હોસ્પિટલ સંકુલમાં આયુર્વેદ શાખા માટે જગ્યા ફાળવવાના પક્ષમાં ન હોવાની હિલચાલ શરૂ થતાં મામલો ગરમાયો છે અને સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીન તેમજ સરકાર સુધી રજુઆત કરી આયુર્વેદ શાખા માટે નવી સિવિલ હોસ્પિટલમાં યોગ્ય જગ્યા ફાળવવા માટે ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વમાં આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય અને વધુને વધુ લોકો આયુર્વેદ તરફ પાછા વળે તે માટે દેશભરમાં આયુષ ક્લિનિક, હોસ્પિટલ ખોલી રહ્યા છે તેવા સમયે જ મોરબીમાં આયુર્વેદ વિભાગ માટે ઉલટી ગંગા જેવા સમીકરણો રચાયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં મોરબી જિલ્લા પંચાયત દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ 11 આયુષ ક્લિનિક ચાલુ કરાયા છે જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં અગવડતાભરી સ્થિતી હોવા છતાં અહીં દૈનિક 70થી 80 એટલે કે, મહિને 2400થી વધુ લોકો સરકારની નિઃશુલ્ક આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો લાભ લેવા માટે આવી રહ્યા છે.જો કે, આગામી માર્ચ મહિના સુધીમાં ગાંધીચોકમાં આવેલ સિવિલ હોસ્પિટલ રાજકોટ - મોરબી હાઇવે પર શનાળા નજીક નવા સિવિલ હોસ્પિટલ સંકુલમાં સ્થળાંતર થવાની હોય સિવિલ સતાવાળાઓ દ્વારા નવા સિવિલ સંકુલમાં આયુર્વેદ વિભાગ માટે કોઈ જ વ્યવસ્થા કરી ન હોવાનું સામે આવ્યુ છે.મહત્વનું છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આયુર્વેદિક ચિકિત્સા વિભાગમાં ગેસ, અપચો, શ્વસનતંત્રના રોગ, એસીડીટી, ડાયાબિટીસ,એલર્જી જેવા રોગના ઈલાજ માટે સમગ્ર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોવા છતાં પણ આગામી છએક માસમાં સિવિલ હોસ્પિટલના સ્થળાંતર બાદ નવા સંકુલમાં આયુર્વેદ વિભાગ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા આ મામલે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આયુર્વેદ વિભાગ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પંચકર્મ સહિતની તમામ સારવાર મળી શકે તે માટે પાંચ રૂમ ફાળવવા માંગણી પણ કરવામાં આવી છે છતાં સિવિલ સતાવાળાઓ દ્વારા આયુર્વેદ વિભાગ માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આ બાબતે મેડિકલ કોલેજના ડીનનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.જો સિવિલ સતાવાળાઓ નવા સંકુલમાં આયુર્વેદ વિભાગને સ્થાન નહિ આપે તો આખરે તો હેરાનગતિ આયુર્વેદ તરફ વળેલા લોકોને જ થનાર હોય સમગ્ર મામલે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને મહાનગર પાલિકાના મેયર પણ દરમિયાનગીરી કરે તે ઇચ્છનીય છે.