બસમાં ચડતા એક મુસાફરનો મોબાઈલ સરેવી લીધા બાદ લોકોએ તસ્કરને ઝડપી લીધો મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ખિસ્સાકાતરું ટોળકીનો ઘણા સમયથી ત્રાસ હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે આજે બસમાં એક મુસાફર ચડતી વખતે ખિસ્સાકાતરુંએ કસબ અજમાવીને તેમનો મોબાઈલ સરેવી લીધો હતો. આ બનાવની લોકોને જાણ થતાં લોકોએ તુરત જ એ ખિસ્સાકાતરુંને ઝડપીને પોલીસની હવાલે કરી દીધો હતો. મોરબીના જુના બસ સ્ટેન્ડ લેભાગુ તત્વો માટે મોકળું મેદાન સમાન છે. કારણ કે બસમાં ચડ-ઉત્તર વખતે મુસાફરોની ભારે ભીડ રહે છે. આથી, આ ગિરદીનો લાભ લઈને ખિસ્સાકાતરુંઓ બસમાં ચડઉત્તર કરતા મુસાફરોના ખિસ્સા હળવા કરી નાખે છે. ઘણી વખત મુસાફરોના ખિસ્સા કપાયાની મોડેથી જાણ થાય છે. જેમાં બસમાં ચડતી વખતે ખિસ્સું કપાયું હોય પણ ભીડને કારણે મુસાફરોને ખબર ન રહી હોય ત્યારે અધવચ્ચે કંડકટર ટિકિટ માટે પૈસા માંગે ત્યારે છેક મુસાફરોને ખિસ્સું કપાયું હોવાની ખબર પડે છે. આવા સંખ્યાબંધ બનાવો બન્યા છે. દરમિયાન આજે જુના બસ સ્ટેન્ડમાં એક બસમાં ચડતી વખતે મુસાફરોની ભીડ હતી. આ ભીડનો લાભ લઈને એક ખિસ્સા કાતરુંએ હાથ અજમાવ્યો હતો. જેમાં બસમાં ચડતા મુસાફરનો મોબાઈલ સરેવી લીધો હતો. પણ લોકોને ખબર પડી જતા આ ખિસ્સાકાતરું લોકોની હાથે ઝડપાયો હતો. બાદમાં લોકોએ પોલીસની હવાલે કરી દીધો હતો. આથી લોકોને જગૃત રહેવાની સાથે પોલીસને પણ સતર્ક રહેવું જરૂરી છે. ત્યારે એ ડિવિઝન પીઆઇ આવા બનાવ અંગે લોકોને 100 નબર અથવા એ ડિવિઝન પોલીસ સ્ટેશન 02822 230188 ઉપર જાણ કરવાની અપીલ કરી છે.