પુલ દુર્ઘટનામાં નદીના ગંદા પાણી અવરોધક બન્યા : મચ્છુ માતાના મંદિરની બાજુમાંથી જ પાલિકાના ગટરના ગંદા પાણી ઠલવાઇ છે પવિત્ર નદીમાં મોરબી : કોઈપણ ગામ શહેરમાં વહેતી નદી લોકમાતા તરીકે પૂજવામાં આવે છે ત્યારે મોરબીમાં છેલ્લા પાંચેક વર્ષથી રિવરફ્રન્ટની મધલાળ વચ્ચે લોકમાતા મચ્છુને અપવિત્ર કરવામાં ખુદ પાલિકા તંત્ર જ સિંહ ફાળો નોંધાવી રહ્યું છે અને આ ગંદકીના પાપે ઝૂલતા પુલ દુર્ઘટના બાદ અનેક લોકો ઉપરથી ખાબક્યા બાદ ગંદુ પાણી પી જવાથી મોતને ભેટ્યા હોવાનું અને રાહત બચાવ કાર્યમાં પણ આ ગંદા પાણીમાં ફુલેલ ફાલેલા જીવાંત અવરોધક બની હોવાનું બહાર આવ્યું છે. મોરબીની લોકમાતા મચ્છુ નદીમાં પ્રસરેલી ગંદકી અંગે મોરબીના જાગૃત નાગરિક સુશ્રુત માંકડે પુલ દુર્ઘટના બાદની મચ્છુ નદીની સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જણાવ્યું છે કે, એક વખત લાઈફ જેકેટ પહેરી ને પણ ઝૂલતા પુલ નીચેની મચ્છુ મા ઉતરવા અને ૧૦-૧૫ મિનિટ તેમા રોકાવા સર્વે ને હાર્દિક અપીલ કરુ છું . આ બીલકુલ મજાક નથી , બહારથી આવેલા દરેક જવાન પાસેથી એક જ જવાબ મળે “ પાણી ભયંકર વાસ મારતું ગંદું હતું “તો વિચાર કરો જેમણે જીવ ગુમાવ્યા છે એ લોકો એ ડૂબવાની સાથે સાથે કેટલી વેદના અનુભવી હશે? એવો તો એમણે શો ગૂનો કર્યો તો કે તેમને આ ગંદકીમા જળ સમાધિ લેવી પડી? તમે માત્ર ખોબો ભરી નાક પાસે ૫ મિનિટ રાખી બતાવજો. બચાવ કાર્ય અને પછી શબ શોધવાની ક્રિયા મા જોડાવા સિવાય કોઈ પહેલા આવ્યું ? કોણે કેવી વાત કરી ? વળતર આપવાની કે માંગવાની કોઈ જ ચર્ચા અહી નથી કરવી નથી. મારે મોરબીમા રહેતા ૫૫ વર્ષ થયા, ઘણા બધા ને તો એથી વધુ થયા હશે તેઓ એક વખત તેમના ઈષ્ટદેવ ને સાક્ષી રાખી ને કહે કે તેમણે મચ્છુ નદી મા ક્યારે ચોખ્ખું પાણી જોયું તું? મને તો યાદ નથી! આપણી સમાજ ની પહેલે થી ચાલી આવતી ગોઠવણ મુજબ સ્મશાનભૂમિ નદી કાંઠે હોય છે. મૃત્યુ પછી થતી ક્રિયાઓ , તર્પણ વિધિ ની સામગ્રીઓ -ફૂલ-પીંડ જેવી વસ્તુઓ નદી મા વિસર્જિત કરાય છે. મેં પણ કરેલ છે સ્વીકારું છું પણ એ કરતી વખતે જે પીડા થયેલ તે વર્ણવવા શબ્દો ઓછા પડે, કારણ તમે મચ્છુ બારી આવો કે લીલાપર સ્મશાનની બાજુમા આવેલ મંદિર જેના પાછળના ભાગથી નદી તરફ જવાય છે ત્યાં માત્ર ગંદકી નુ જ સામ્રાજ્ય છે. આપણે આપણા સ્વજન ને તર્પણ આવી ગંદકી મા આપવું પડે? એ જોયા પછી તો હું પરિવાર ને કહી ને જ રાખીશ કે મારી પાછળ કોઈ આવી વિધિ ન કરતા જેથી તમારે આ ગંદકી મા ઉતરવુ પડે. મને પણ મારા સદ્ગત સ્વજનો એ નહોતુ કહ્યું આ બધુ કરવાનું . મારે કે મોરબી ના કોઈ નગરવાસી ને રવિવારે સાંજે ટહેલવા રિવર ફ્રન્ટ નથી જોઈતો. જે મોરબીની જીવાદોરી છે, મચ્છુ માતા કહીએ છીએ એને તો સ્વચ્છ રાખો! અને અશક્ય નથી, સવાલ ફક્ત કટિબદ્ધતા નો છે, એક ટેક લેવાનો છે. અમદાવાદ સાબરમતી તો મહાનગરની નદી છે, ગુજરાતનો શો કેસ છે એટલે એને સંદર્ભમા ન લેતા, વાત કરુ છુ અમરેલીની બાજુમા બનેલા રોટરી કામનાથ ડેમની... એક વખત જરુરથી જોવા જજો. મચ્છુ જેવી જ હાલત હતી, આખા શહેરનું ગંદું પાણી એમાં ઠલવાતું , અમરેલીને વરસમા આઠ મહિના પાણીની તકલીફ ભોગવવી પડતી. રોટરી ઈન્ટરનેશનલ અને સરકારના સમન્વયથી ૧૯૯૭મા આ ડેમ બન્યો. શહેરમાંથી ગંદું પાણી ઠાલવતી દરેક ગટરની આગળ એક રિટેઈનીંગ દીવાલ બનાવી, ડેમ પૂરો થાય એ પછી આગળ ફિલ્ટરેશન એરિયામા ગંદુ પાણી ઠલવાય તેવું નક્કર આયોજન થયું. આજે પરિણામ સામે છે અને છેલ્લા ૨૪-૨૫ વર્ષ થી શહેરને સ્વચ્છ પાણી મળે છે, ડેમ પાસે ફરવાલાયક પાર્ક પણ લોકોને મળેલ છે. મોરબી સૌથી વધુ ટેક્સ ચૂકવતું , માથા દિઠ આવક ધરાવતું શહેર છે પણ પાયા ની જરુરિયાત બાબત ઉદાસીન છે. લોકો મા એક થવાનો અભાવ છે બાકી શું ન થાય? આખી પોસ્ટ વાંચી ને કહેશો જ કે અહીં કોઈ જ રાજકિય રંગ આપવામા નથી આવ્યો, માત્ર અને માત્ર પીડા જ વર્ણવી છે. જેટલું મારુ છે એટલું જ તમારું છે આ શહેર જેથી અંતમાં સુશ્રુત માંકડ કહે છે કે, હાથ જોડી વિનંતી કરુ છું કે આ માટે શિક્ષિત નાગરિકો, ઔદ્યોગિક સંગઠનો, વેપારી સંગઠનો કાંઈક પગલા લેવા આગળ આવે. ઈશ્વરકૃપાથી આ દુર્ઘટનામા આપણે ન આવી ગયા પણ જે આવી ગયા તેમને યાતના અને દુર્ગંધ ભર્યું મોત મળવાના આપણે જવાબદાર છીએ. હજુ, ભૂલ સુધારવાનો સમય છે.