મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો: 4 દરવાજા 2.1 મીટર ખોલાયા, ઘોડાધ્રોઈ ડેમ પણ 93 ટકાને પારમોરબી : રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા 25/07/2026 ના રોજ રાજકોટ હસ્તકના જળાશયોની વિગત દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં અને સ્થાનિક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની વિપુલ આવક જોવા મળી રહી છે. ખાસ કરીને મોરબી જિલ્લાના ડેમોમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિમોરબી જિલ્લાનો સૌથી મોટો મચ્છુ-2 ડેમ 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયો છે. મચ્છુ-2 ડેમમાં છેલ્લા 24 કલાકમાં જ પાણીની સપાટીમાં 11.58 ફૂટનો જંગી વધારો નોંધાયો છે. હાલમાં મચ્છુ-2 ડેમના 20 માંથી 4 દરવાજા 2.1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. મચ્છુ-3 ડેમ પણ 67.83 ટકા ભરાય ગયો છે. મચ્છુ-1 ડેમ 25.26 ટકા ભરાયો છે.ઘોડાધ્રોઈ ડેમમાં છેલ્લા 24 કલાકમાં 8.69 ફૂટ નવા પાણીની આવક થતાં ડેમ 93.79 ટકા ભરાઈ ચૂક્યો છે. બ્રાહ્મણી ડેમમાં 7.41 ફૂટનો વધારો નોંધાયો છે અને હાલ તે 54.98 ટકા ભરાયો છે. જ્યારે બ્રાહ્મણી-2 ડેમ 57.32 ટકા ભરાયો છે. એકંદરે મોરબી જિલ્લાના જળાશયોમાં સરેરાશ 51.95 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.