સદનસીબે રીક્ષાચાલકનો ચમત્કારિક બચાવ મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસેની કેનાલમાં આજે બપોરના 12 વાગ્યાની આસપાસ એક ઓટો રીક્ષા ચાલક સમેત ખાબકી હતી. જોકે આ ગંભીર ઘટનામાં સદનસીબે રીક્ષા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવની સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના ઉમિયા સર્કલ રોડ ઉપર આજે એક ઓટો રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો. ત્યારે અચાનક કોઈ કારણોસર ઓટો રિક્ષાના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ રીક્ષા ઉમિયા સર્કલ રોડથી આગળ આવેલી કેનાલમાં ખાબકી હતી અને રીક્ષા ચાલક રીક્ષા સાથે કેનાલની અંદર ઉતરી ગયો હતો. જોકે કેનાલમાં પાણી ઓછું છે. આથી, સદનસીબે રીક્ષાચાલકનો બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમિયા સર્કલ રોડની સમાંતરે કેનાલ આવેલી છે. રોડની એકદમ બાજુમાં કેનાલ હોવા છતાં કેનાલની ફરતે આડશ ન હોવાથી આ દુર્ઘટના બની હતી. જોકે હાલ રીક્ષાચાલક રીક્ષા સાથે કેનાલની અંદર હોવાનું જાણવા મળી રહ્યું છે. પણ રીક્ષાચાલક હેમખેમ છે. આથી, આ રીક્ષાચાલકને કેનાલમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.