અખબારી અહેવાલોનું સંજ્ઞાન લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમરણના તલાટી કમ મંત્રીને સ્થળ તપાસ કરવા સૂચના અપાઈમોરબી અપડેટ : મોરબી જિલ્લાના આમરણ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આડેધડ દબાણો અંગે સ્થાનિકો અને મુસાફરો દ્વારા ભારે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ આખરે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને સત્વરે કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યુઝ એનાલિસિસ અને અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનું મોરબી જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા ગંભીરતાથી સંજ્ઞાન લેવામાં આવ્યું છે. આ દબાણોને કારણે બસ સ્ટેન્ડમાં એસટી બસોની અવરજવરમાં પડતી મુશ્કેલીઓ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.ત્યારબાદ, તાલુકા વિકાસ અધિકારી (TDO) મોરબી દ્વારા આમરણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને એક લેખિત આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રીને આમરણ બસ સ્ટેન્ડ અને તેની આજુબાજુના વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ખડકાયેલા વાણિજ્યિક દબાણો અંગે રૂબરૂ સ્થળ તપાસ કરવાની રહેશે. આ મામલાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ, નિયમોનુસારની કાર્યવાહી કરી 3 દિવસમાં હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.સ્થાનિક જનતા ઈચ્છી રહી છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતના ભેદભાવ વિના તટસ્થ રીતે નાના-મોટા તમામ દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમરણ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વનીતાબેન પરમાર અને માજી સદસ્ય દાદામિયા બુખારી દ્વારા અગાઉ આ મુદ્દે તંત્ર સમક્ષ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.#Morbi #Amran #Encroachment #DDOAction #BusStation #MorbiNews #MorbiUpdates #GujaratNews