ચંદ્રયાન -3 જ્યાં ઉતર્યું તે સ્થાનને શિવશક્તિ પોઇન્ટ નામકરણ કરાયું મોરબી : વિદેશ પ્રવાસેથી પરત ભારત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સીધા જ બેંગ્લુરુમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ તકે વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવી હવેથી 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે તેવી જાહેરાત કરી ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું તે સ્થાનને શિવશક્તિ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવશે તેવું પણ જાહેર કર્યું હતું. વિદેશ પ્રવાસથી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સીધા જ બેંગ્લુરુ ઈસરો સેન્ટર ખાતે પહોંચ્યા હતા જ્યાં ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે ઈસરોની ટીમ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ તકે ઈસરોના વડાએ વડાપ્રધાન મોદીને મિશન ચંદ્રયાન-3 વિશે જાણકારી આપી હતી આ તકે ઈસરો દ્વારા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન કેવી રીતે કામ કરી રહ્યા છે અને તેઓ આગળ શું કરશે તે અંગેની તમામ જાણકારી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, '23મી ઓગસ્ટે, ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો છે જેથી હવેથી તે દિવસ ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે.' વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચંદ્ર ઉપર તે સ્થાનનું નામકરણ પણ જાહેર કર્યું જ્યાં લેન્ડર વિક્રમ ઉતર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મૂન લેન્ડરનું સ્થાન 'શિવશક્તિ' તરીકે ઓળખાશે. તેમણે કહ્યું કે, માનવતાના કલ્યાણનો સંકલ્પ શિવમાં સમાયેલો છે અને શક્તિથી આપણને તે સંકલ્પને પરિપૂર્ણ કરવાની ક્ષમતા મળે છે.આ સાથે પીએમ મોદીએ ચંદ્રની સપાટી પરની જગ્યાનું નામ પણ રાખ્યું જ્યાં ચંદ્રયાન-2 લેન્ડ થયું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ચંદ્ર પર જે જગ્યા પર ચંદ્રયાન-2 એ પોતાના છાપ છોડી છે, તે જગ્યા હવે તિરંગા પોઈન્ટ કહેવાશે. આ તિરંગા પોઇન્ટ ભારતના દરેક તરસ્યા વ્યક્તિની પ્રેરણા બનશે. તે આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા છેલ્લી રહેશે નહીં. જો પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો સફળતા અવશ્ય મળે છે.