પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવતી કારે સર્જ્યો ગમખ્વાર અકસ્માત : રીક્ષા અને બાઇક ચાલક બન્નેને ગંભીર ઇજાઓમોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આજે સવારે એક ઓડી કારે રીક્ષા અને બાઇકને હડફેટે લઈ 50 ફૂટ સુધી ઢસડયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં રીક્ષા અને બાઇક ચાલક બન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયા પાટી વિસ્તારમાં આજે સવારે 11 વાગ્યાના અરસામાં ઓડી કાર ચાલકે રીક્ષા અને બાઇકને ટક્કર મારી અંદાજે 50 ફૂટ સુધી ઢસડયા હતા. આ અકસ્માતમાં રિક્ષાચાલક કુરબાનભાઈ પીરભાઈ સુરાણી (ઉ.વ. 50) રહે. દાઉદી પ્લોટ -3, મોરબી અને બાઈકચાલક મહાદેવભાઈ રણછોડ ભાઈ મારવાણીયા (ઉ.વ. 60)રહે. આલાપ રોડ, મોરબીવાળાને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.આ અંગે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષાચાલકના સાળા રાજુભાઈએ જણાવ્યું કે ઓડી કાર રોંગ સાઈડમાં પુરઝડપે આવી રહી હતી. અકસ્માત અંગે જાણ થતાં જ તેઓ ત્યાં પહોચ્યા હતા. પરંતુ કાર ચાલક ફરાર છે. રિક્ષાચાલક કુરબાનભાઈને માથાના ભાગે લાગતા હેમરેજ થયું છે. બાઇક ચાલકની હાલત વધારે ગંભીર છે. બન્નેને રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે.