હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરવાનું કારસ્તાન મોરબી : રાજ્યમાં દારૂબંધી વચ્ચે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો નતનવા અખતરા કરી રહ્યા છે જેમાં તાજેતરમાં મોરબી પોલીસે નકલી દારૂની વધુ એક ફેકટરી ઝડપી લીધાની ઘટનામાં બાદ મોરબીમાં વિદેશી દારૂની મોંઘી બ્રાન્ડની જૂની ખાલી દારૂની બોટલોમાં હલકી બ્રાન્ડનો દારૂ ભરી વેચાણ કરવાનું કારસ્તાન ઝડપી લીધું હતું.જો કે, રેઇડ દરમિયાન આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો પરંતુ પોલીસે આઠ બોટલ હલકો દારૂ ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ દેશી વિદેશી દારૂની બદી ડામવા પ્રયત્નશીલ મોરબી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના વિશિપરામાં ધોળેશ્વર રોડ પર આરોપી સાજીદ કાદરભાઈ લધાણી જૂની મોંઘી શરાબની બોટલમાં હલકી ગુણવત્તાનો દારૂ ભરી વેચાણ કરી રહ્યો છે. ઉપરોક્ત બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી સાજીદના રહેણાંકમાં દરોડો પાડતા રહેણાંકમાંથી 100 પાઈપર બ્રાન્ડની 750 મિલીની 8 બોટલ કિમત રૂપિયા 4520 ભરેલી મળી આવી હતી.આ ઉપરાંત આરોપીના કબ્જાવાળી જગ્યામાંથી ગ્રીન લેબલ વ્હીસ્કીની 180 મીલી માપની 35 ખાલી બોટલો મળી આવતા પોલીસે હલકી ગુણવતાનો સસ્તો દારૂ મોંઘી બોટલોમાં ભરી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી લીધું હતું.જો કે, દરોડા સમયે આરોપી સાજીદ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.