મોરબી : ખેતરોમાંથી પસાર થતા વીજળીના મોટા થાંભલાઓના વિરોધમાં મોરબી ખાતેથી ખેડૂત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલન અંતર્ગત મોરબીથી ગાંધીનગર તરફ ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી હતી. આ મામલે મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણીએ કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા છે.ભાવેશ કાનાણીએ જણાવ્યું છે કે, ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે અને રહેશે. પરંતુ આ શુદ્ધ ખેડૂત આંદોલનની આડમાં કોંગ્રેસ અને આપ પોતાના રાજકીય રોટલા શેકવાનો અધમ પ્રયાસ કરી રહ્યા છે. આજની રેલી દરમિયાન કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા રાજકીય દ્વેષભાવ રાખીને ઉગ્ર બોલાચાલી તેમજ ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ અને આપની આ હલકી રાજનીતિના કારણે નિર્દોષ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને તેવી ભીતિ સેવાઈ રહી છે. ભાજપ ક્યારેય ખેડૂતોનું અહિત સહન નહીં કરે. આપ અને કોંગ્રેસના આ ઉશ્કેરણીજનક વલણથી ખેડૂતોને બચાવવા તેમજ તેમના પ્રશ્નોનું કાયમી નિવારણ લાવવા માટે રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં વહેલામાં વહેલી તકે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઈ છે, જેથી વિપક્ષને રાજનીતિ કરવાનો કોઈ મોકો ન મળે.#Morbi #MorbiUpdate #FarmersProtest #GujaratNews #TractorRally #BJP #Congress #AAP #MorbiNews