મોરબી તાલુકાના જેતપર ગામનો બનાવ, સદગૃહસ્થે પિતા પુત્રના ત્રાસથી ગામ છોડી મોરબી રહેવા આવ્યા તો પણ હેરાનગતિમોરબી : મોરબી - માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના મૂળ ગામ જેતપરના વતની સદગૃહસ્થની દીકરી સાથે પોતાના પુત્રની સગાઈ કરવા દબાણ કરી પિતા અને પુત્ર દ્વારા માર મારી ત્રાસ આપવામાં આવતા સદગૃહસ્થ ગામ છોડી મોરબી રહેવા આવી ગયા છે. આમ છતાં ત્રાસ ચાલુ રહેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબી તાલુકાના વતની અને હાલમાં મોરબી ખાતે શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં રહેતા અને ખેતીકામ કરતા લલિતભાઈ અમરસીભાઈ કંડીયા ઉ.48 નામના ખેડૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં જેતપર ગામના આરોપી મુકેશ રૂગનાથ અમૃતિયા અને તેના પુત્ર ભાવિક મુકેશ અમૃતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી મુકેશ રૂગનાથ અમૃતિયા લલિતભાઈને તેના પુત્ર ભાવિક સાથે સગાઈ કરવા દબાણ કરતો હોય જેથી લલિતભાઈએ ના પાડતા ગત તા.17ના રોજ લલિતભાઈ તેમના પરિવાર સાથે રાંદલ માતાજીના પ્રસંગમાં હાજરી આપવા જેતપર જતા આરોપી મુકેશ અને તેના પુત્ર ભાવિકે ફરી લલિતભાઈને કહ્યું હતું કે તું કેમ તારી પુત્રીની સગાઈ નથી કરતો ? બાદમાં જેતપર ગામે ચાની હોટલ પાસે ફડાકા ઝીકી લાલિતભાઈના ઘેર ધોકા લઈને ગયા હતા અને પિતા પુત્રએ લલિતભાઈ તેમજ તેમના પુત્રને મારી નાખવા ધમકી આપી હતી.વધુમાં આરોપી મુકેશ અને તેના પુત્ર ભાવિકના ત્રાસથી લલિતભાઈએ જેતપર ગામથી હિજરત કરીને મોરબી રહેવા આવી ગયા બાદ પણ અવાર નવાર મારકુટ કરી ત્રાસ આપવાની સાથે આરોપી ભાવિક લલિતભાઈની પુત્રીને મેસેજ અને ફોન કરી સગાઈ માટે ધમકી આપતો હોય અંતે માથાભારે પિતાપુત્ર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.