યુવતીની શેરીમાં આંટા ફેરા કરતા યુવાન ઉપર પરિવાર તૂટી પડ્યો, યુવાનને લાંફા ઝીકયા, તેના ફઇના દીકરાનું પથ્થરથી માથું ફોડી નાખ્યું, બે રાઉન્ડ જમીનમાં ફાયરિંગ કર્યું : પોલીસે યુવતીના પરિવારના 4 શખ્સોની કરી ધરપકડ મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં પ્રેમસંબંધના કારણે યુવતીના ઘર પાસે આંટાફેરા કરતા યુવાન અને તેના ફઇના દીકરા ઉપર યુવતીના પરિવારે હુમલો કર્યો હતો. ઉપરાંત બે રાઉન્ડ જમીનમાં ફાયર પણ કર્યા હતા. આ બનાવ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ત્વરિત 4 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ચિરાગભાઈ રણજીતભાઈ સનુરા (ઉંમર 26) નામના યુવાને 5 આરોપીઓ સામે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં નિરંજનભાઈ બિંદ, તેમના પત્ની મંજુબેન બિંદ, પુત્ર હિમાંશુ બિંદ તથા 2 ભાણેજ ચંદન અને મોહનનો સમાવેશ થાય છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચિરાગભાઈને નિરંજનભાઈની દીકરી સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો. આથી ચિરાગભાઈ અવારનવાર તેમના ઘર પાસેથી આવ-જા કરતા હતા. આ બાબત યુવતીના પરિવારને પસંદ ન હોવાથી ગત રાત્રીના પોણા નવ વાગ્યે તેમના પર હુમલો કર્યો હતો.રાત્રે ચિરાગભાઈ, તેમના ફઈનો દીકરો રાહુલ અને મિત્ર કરણ ત્રાજપર ગામમાં ઓરિએન્ટલ બેંકવાળી શેરીમાં બેઠા હતા. ત્યારે મંજુબેન અને હિમાંશુએ ત્યાં આવીને ચિરાગભાઈ સાથે બોલાચાલી કરી હતી. હિમાંશુએ ચિરાગભાઈને લાફા માર્યા હતા અને મંજુબેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડીવાર પછી નિરંજનભાઈ, તેમનો ભાણેજ મોહન અને ચંદન આવ્યા હતા અને યુવાનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા રાહુલને નિરંજનભાઈએ માથામાં છૂટો પથ્થર મારતા તેને 5 થી 6 ટાંકા લેવા પડે તેવી ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી.ત્યારબાદ આરોપી મોહને પોતાના પેન્ટમાંથી રિવોલ્વર જેવું હથિયાર કાઢી પહેલા જમીન પર 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અવાજ થતાં લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ મોહને ચિરાગભાઈ પર જાનથી મારી નાખવાના ઈરાદે બીજું ફાયરિંગ કર્યું હતું. જોકે, ચિરાગભાઈ શેરીમાં સંતાઈ જતા તેમનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ બન્ને પક્ષે પથ્થરમારો થતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 115(1), 117(2), 352, 351(3), 125, 109, 54 તેમજ આર્મ્સ એક્ટ કલમ 25(1-b)(a), 27(2) અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. સીટી બી ડિવિઝનના પીઆઈ જે.ડી.સરવૈયા, એલસીબી પીઆઈ એસ.પી.જાડેજા અને એસઓજી પીઆઈ આર.સી.ગોહિલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પીઆઈ જે.ડી.સરવૈયા અને પીઆઈ એસ.પી.જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે, આરોપીઓ લખધીરપુર રોડ પર આવેલા ભંગારના ડેલામાં સંતાયા હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં જઈ આરોપી નિરંજનભાઇ તિલકપ્રસાદ બિંદ (રહે. હાલ મોરબી-2, મૂળ બિહાર), હિમાંશુભાઇ નિરંજનભાઇ બિંદ (રહે. હાલ મોરબી-2, મૂળ બિહાર), ચંદનભાઇ મહેશભાઇ જમાદાર (રહે. હાલ બેલા, મૂળ બિહાર) અને મોહનભાઇ અનુજભાઇ બિંદ (રહે. હાલ લખધીરપુર રોડ, મૂળ બિહાર)ની ધરપકડ કરી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #FiringInMorbi #GujaratPolice #Trajpar #MorbiCity