માળીયા મિયાણાના બંને ભાઇઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા મોરબી : મોરબી જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં હનુમાનજી મંદિર નજીક આવેલી વાડીમાં અજાણ્યા શખ્સોએ કુહાડી-ધારીયાથી હુમલો કરી માળીયા મિયાણાના બે ભાઈઓને ઇજા પહોંચાડતાં મોરબી સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિંયાણામાં સરકારી દવાખાના નજીક દરગાહ પાસે રહેતાં ઓસમાણ ઇકબાલભાઇ કટીયા (ઉ.વ.૨૨) અને તેના ભાઇ સિકંદર ઇકબાલભાઇ કટીયા (ઉ.વ.૧૯) ઉપર ગઈકાલે રાત્રીના બે વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૃ અને જયદિપભાઇ હુદડે મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે. વધુમાં ઈજાગ્રસ્ત ઓસમાણના કહેવા મુજબ પોતે અને ભાઇ સિકંદર લોખંડનું મજુરી કામ કરે છે. ગઈકાલે રાતે રંગપરની સીમમાં માલઢોરને બોલાવવા જતાં હતાં ત્યારે રસ્તામાં ભાઇ સિકંદરને તરસ લાગતાં વાડીમાં પાણી ભરવા જતાં તેને ચોર સમજી પકડી લેવાયો હતો અને મારકુટ ચાલુ થઇ હતી. દેકારો સાંભળી પોતે અંદર જતાં પોતાના ઉપર પણ હુમલો થયો હતો.બેફામ માર માર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સારવાર માટે લાવી હતી. આ મામલે હાલમાં મોરબી તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.