હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂના મનદુઃખને લઈ બોલાચાલી થયા બાદ પિતા-પુત્ર હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા આવી રહ્યા હતા તે વેળાએ ગામના પાદરમાં જ સામેના જૂથના લોકોએ ધારિયા-ધોકા સહિતના હથિયારો વડે હુમલો કરતા ઈજા ગ્રસ્ત બંને પિતા-પુત્રને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર વેગડવા ગામે રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલા અને તેમનો પુત્ર વિક્રમભાઈ રામજીભાઈ સુરેલા આજે તેઓના ઘર પાસે હતા. ત્યારે અગાઉના મન દુઃખને લઈ તેઓની સામે જ રહેતા શખ્સો દ્વારા બોલાચાલી કરાઈ હતી. ત્યારબાદ રામજીભાઈ અને વિક્રમ હળવદ પોલીસ મથકે સામા પક્ષના લોકો સામે ફરિયાદ કરવા આવી રહ્યા હતા. ત્યારે ગામના પાદરમાં આવેલ હનુમાનજી મંદિર પાસે બાઈક લઇ પસાર થતી વેળાએ સામેના જૂથના સાતથી આઠ લોકોએ ધારીયા-ધોકા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.જેમા વિક્રમભાઈ રામજીભાઈ સુરેલાને માથાના ભાગે ધારિયાના ઘા ઝીંક્યા હતા.જ્યારે રામજીભાઈને પણ મુંઢમાર માર્યા હોય જેથી બંને પિતા પુત્રને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હુમલો કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.