ધરાર સગાઈ કરાવવા માટે ચાર શખ્સોએ પાઈપથી હુમલો કરી પથ્થરમારો કર્યો મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા પરિવારની દીકરીની સગાઈ કરવાની ના પાડનાર ભાઈ ઉપર સમાપક્ષનાઓએ લોખંડના પાઈપથી હુમલો કરી પથ્થરમારો કરતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા અને સિરામીક એક્સપોર્ટનો વ્યવસાય કરતા ચંદ્રેશભાઇ નંદલાલભાઇ સોનાગ્રાના બહેન સાથે પોતાના સાળાની સગાઈ કરવા માટે તેમની જ જ્ઞાતિના જયંતિભાઇ દાનાભાઇ આવ્યા હતા પરંતુ ચંદ્રેશભાઈએ સગાઈ કરવાની ના પાડી હતી. વધુમાં બહેન સાથે સગાઈ કરવાની ના પાડતા ગઈકાલે જયંતીભાઈ દાનભાઈ અને તેના પિતા દાનાભાઇ રહે.બન્ને મોરબી વાવડી રોડ, ગણેશનગર સોસાયટી વાળા ચંદ્રેશભાઈના ઘેર આવ્યા હતા અને ઝઘડો કરી મહિલા સભ્યો સાથે ઝપાઝપી કરતા ચંદ્રેશભાઈ દોડી આવતા સામાપક્ષના આવ્યા જીગ્નેશભાઇ અને પ્રકાશભાઇ રહે.બન્ને મોરબી વાવડી રોડ કારીયા સોસાયટીવાળા પણ બનાવ સ્થળે દોડી આવી ચારેય ઈસમોએ ચંદ્રેશભાઈ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરતા ચંદ્રેશભાઈને માથામાં ઇજાઓ પહોંચી હતી. બનાવ સમયે જતા જતા આરોપીઓએ ચંદ્રેશભાઈના ઘર ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. હીંચકારા હુમલાની ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેઓએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૩૩૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.