ત્રણ શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી :મોરબીના બહાદુરગઢ ગામે દૂધ લેવાની બાબતે વેપારી ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ત્રણ શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. આથી પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બહાદુરગઢ ગામે રહેતા અને પાન બીડીનો વેપાર કરતા જેશીંગભાઇ ભારમલભાઇ ખાંભરા (ઉ.વ-૫૨) એ આરોપીઓ મેહુલભાઇ પોપટભાઇ રાવા, પોપટભાઇ વિરાભાઇ રાવા, હિતેશભાઇ ગગુભાઇ રાવા (રહે.ત્રણેય બહાદુરગઢ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાંબહાદુરગઢ ગામે ભરવાડ શેરીમાં ફરીયાદીના પત્નિ તથા પુત્ર સાથે આરોપીએ દુધ લેવા બાબતમાં માથાકુટ કરતા ફરીયાદી આવી જતા આરોપીએ ફરીયાદીને લાકડાના ધોકા વતી ફરીયાદીને ડાબા પગના સાથળમાં એક ઘા મારી ઇજા કરી હતી. તેમજ ઝપાઝપી કરતા જમણા હાથની આંગળીમાં કાઇક વાગી ગયેલ અને બીજા આરોપીએ લાકડી વતી ફરીયાદીને માથાના ભાગે એક ઘા મારી ઇજા કરતા રાડો-દેકારો થતા ત્રીજો આરોપી આવી જતા ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.