સામા પક્ષે યુટીલિટી કારનો કાચ ફોડી હુમલો કર્યાની ફરિયાદ મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં કાર લઈને નીકળેલા વેપારીએ કારખાના નજીક યુટીલિટી કારને રિવર્સ લઈ રહેલા બે શખ્સને સરખી રીતે કાર રિવર્સ લેવાનું કહેતા માથામા લોખંડનો સળિયો ફટકારી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સામાં પક્ષે પણ કાર ચાલકે ગાળો આપી યુટીલિટી કારના કાચ ફોડી નાખ્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી તાલુકા પોલીસ મથકમાં બીક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિંહા, રહે. સૂર્યકીર્તિનગર મોરબી વાળાએ આરોપી ગોકુલભાઈ તેમજ મુનિરામભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.26ના રોજ ફરિયાદી પોતાની કિયા કાર લઈને લાલપર ગામની સીમમાં ગણેશ પેલેટ કારખાના પાસેથી નીકળ્યા ત્યારે આરોપીઓ યુટીલિટી માલવાહક ગાડી રોડ ઉપર આગળ પાછળ લેતા હોય તેમને સમજાવવા જતા ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી લોખંડનો સળિયો માથામાં મારી દેતા ઇજાઓ પહોંચી હતી. સામા પક્ષે મુનિરામભાઈ અદાલતભાઈ ચૌધરીએ આરોપી બીક્રમકુમાર સિંહા અને રાજુભાઇ સિંહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે બન્ને આરોપીઓએ પોતે ફોનમાં વાત કરતા હતા ત્યારે ગાળા ગાળી કરી યુટીલિટી ગાડીના કાચમાં લાકડી મારી કાચ ફોડી નાખી નુકશાન કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.