ખાખરેચીના ખેડૂતના ખાતામાંથી ૧.૪૭ લાખ અને શ્રમિકના રૂ.૧૬૫૦૦ હરિદ્વારથી ઉપડી ગયા મોરબી : મોરબીમાં એટીએમ દ્વારા થઈ રહેલ છેતરપિંડીનો સિલસિલો હજુ પણ યથાવત છે, અગાઉ ૧૨ આસમીઓની પાંચ લાખથી વધુ રકમ ઉપડી ગયા બાદ વધુ બે અસમીઓને ખાતામાંથી ૧.૬૨ લાખ કેવી માતબર રકમ ઉપડી જતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર જિલ્લામાં છેલ્લા એકાદ માસથી સાતીર દિમાગ ગઠિયા દ્વારા અનેક લોકોના એટીએમકાર્ડના પિન નમ્બર મેળવી લઈ જુદા - જુદા શહેરોમાંથી નાણાં ઉપાડી લઈ લાખો રૂપિયાનો કડદો કરી નાખતા આ મામલે ભોગ બનનાર ૧૨ અસામીઓ દ્વારા વિધિવત પોલીસ ફરીયાદ નોંધાવી છે તેવામાં માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના રામજીભાઈ લક્ષમણભાઈ બાવરવાના બેન્ક એકાઉન્ટથી રૂ. ૧.૪૭ હરિદ્વારથી તા. ૧૯ ના રોજ ઉપડી ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત મોરબીની સીરામીક ફેકટરીમાં કામ કરતા અને મૂળ હરિયાણાના સુધીર કુમાર સિંઘના ખાતામાંથી પણ રૂપિયા ૧૬,૫૦૦ ઉપડી જતા બન્ને ભોગ બનનારાઓએ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં એટીએમ ફ્રોડનો ભોગ બનનાર રમેશભાઈ બાવરવા માળિયાના ખાખરેચી ગામની સ્ટેટ બેન્કમાં ખાતું ધરાવે ચજે અને સુધીરકુમાર સિઘ પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા હોવાનુ બહાર આવ્યું છે. જો કે એટીએમ ફ્રોડ મામલે આટઆટલી ફરિયાદ થવા છતાં હજુ સુધી ચબરાક ચિટર પોલીસ ગિરફતથી દુર છે જો કે પોલીસ દ્વારા એટીએમ ફ્રોડ મામલે અંકોડા મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ ચીટર ગેંગ જુદા- જુદા શહેરોના એટીએમ કે અન્ય રીતે નાણાં ઉઠાવતા હોય પોલીસને હજુ સુધી નક્કર સફળતા હાથ નહિ લાગી. ઉલ્લેખનીય છે કે મોરબી એટીએમ ફ્રોડમાં હજુ તો સતાવાર રીતે માંડ ૧૪ લોકોની ફરિયાદ નોંધાઇ છે હકીકતમાં આ આંકડો ખૂબ જ મોટો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.