મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે તારીખ 7મી સપ્ટેમ્બરના રોજ વેલકમ નવરાત્રી સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોશની સંગાથે તાલીઓના તાલે, સંગીતના સથવારે અનેરા થનગનાટ સાથે ગરબે ઘુમવા બાળકોથી માંડી યુવાઓના હૈયા અવનવા આકર્ષક વસ્ત્રોના પરિધાન સાથે રાસ રમવા અધીરા બન્યા હતા.અનેરા ઉમંગ ઉત્સાહ સાથે એક એકથી ચડિયાતા સ્ટેપ પર ઝૂમતું યુવાધન અને બાળ ખેલૈયાઓએ મનભરી રાસગરબાની મોજ માણી હતી અને ખરેખર નવલી નવરાત્રીમાં માના ચાચર ચોકમાં ગરબા રમાતા હોવાની સૌએ અનુભૂતિ કરી હતી.બાળકોથી માંડી પ્રતિસ્પર્ધા 4 કેટેગરીમાં યોજાઈ હતી. દરેક કેટેગરીના વિજેતાઓને ઇનામોથી નવાજી પ્રોત્સાહિત કરવા સાથે બાકીના તમામ ખેલૈયાઓને પણ સ્મૃતિચિન્હ રૂપી ગિફ્ટ આપી હતી અને સ્વાદિષ્ટ અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો. આમંત્રિત ખાસ મહેમાનોએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી કાર્યક્રમની શોભા વધારી હતી. સાથે નિર્ણાયકોએ નિષ્પક્ષ રીતે યોગ્ય નિર્ણય આપવામાં સફળ રહ્યા હતા. સવિશેષ મુસ્કાનના સભ્યો પણ મન મૂકી ગરબે રમ્યા હતા અને ઉરના ઉમંગથી સૌ ખેલૈયાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.