મકરાણીવાસ વિસ્તારના તરવૈયાઓની ટીમ સાથે રહી જીવના જોખમે મચ્છુ નદીમાં સતત કામગીરી કરી મોરબી : 30 ઓક્ટોબરના એ કાળા ગોઝારા દિવસે મોરબીમાં એક તરફ ચિચિયારીઓ ગુંજી રહી હતી ત્યારે બીજી તરફ નાતજાતના ભેદભાવને ભૂલીને મકરાણીવાસના તરવૈયાઓની ટીમે પોતાના જીવની પરવા કર્યા વગર મચ્છુ નદીના પ્રદુષિત પાણીમાં ઝંપલાવી અનેક લોકોના જીવ બચાવવાની સાથે અકાળે મોતને ભેટેલા લોકોને પાણીમાંથી બહાર કાઢી કિનારા સુધી પહોંચાડ્યા હતા જેમાં એક યુવાન એવો હતો કે જે પેરોલ ઉપર છૂટી પોતાના પરિવારને મળવા આવ્યો હતો પરંતુ ઘટનાની જાણ થતા તુરત જ મચ્છુ નદીમાં ધુબાકો મારી સતત સેવાભાવી સંસ્થાઓની મદદમાં રહી પેરોલ પૂર્ણ થતા ફરી જેલ હવાલે હાજર થયો હતો. મોરબીમાં 30 ઓક્ટોબરની સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા આ ઘટનાની જાણ મકરાણીવાસ વિસ્તારના યુવાનોને થઈ હતી ત્યારે એ જ દિવસે પાલનપુર જેલમાંથી પેરોલ મેળવીને ઘેર આવેલા ઈરફાન યારમામદ બ્લોચને આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા પોતના યુવા મિત્રોની ટીમ સાથે તાકીદે દોડી જઈ લોકોની મદદ કરી અનેક જિંદગીઓ બચાવવાની સાથે ગંદા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુને ભેટેલા મૃતકોને બહાર કાઢી કઠિન રસ્તો હોવા છતાં સેવાભાવી સંસ્થાનોની મદદથી મૃતદેહોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.