ટંકારા તાલુકાના દેવળીયા ગામના કાર્યકર્તાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી મોરબી : મોરબીના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આજે શનાળા નજીક ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કમલમના ખાતમુહૂર્ત પ્રસંગે ખિસ્સા કાતરુની ગેંગ ઉતરી પડતા વીસેક લોકોના ખિસ્સા કપાયા હોવાનું બહાર આવ્યું છે જેમાં ટંકારા તાલુકાના દેવળીયા ગામના કાર્યકર્તાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જમવા સમયે પોતાનું ખિસ્સું કપાયું હોવાની લેખિત ફરિયાદ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબીના શનાળા નજીક ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત હોય મોરબીમાં સમગ્ર જિલ્લાના ગામડે-ગામડેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદેદારો આવ્યા હતા આ સમયે ભીડનો લાભ લેવા ખિસ્સા કાતરું ગેંગ પણ ઉતરી આવી હોય તેવી સ્થિતિ સર્જાતા ટંકારા તાલુકાના દેવળીયા ગામે રહેતા દિલીપભાઈ છગનભાઇ ઘોડાસરા નામના કાર્યકર્તાનું પાકીટ ખિસ્સા કાતરું બઠાવી ગયો હોવાની ફરિયાદ તેઓએ મોરબી સીટી એ ડિવિઝનમાં લેખિત સ્વરૂપે આપી હતી.વધુમાં ટંકારા તાલુકાના દેવળીયા ગામે રહેતા દિલીપભાઈ છગનભાઇ ઘોડાસરા નામના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, તેઓ કાર્યક્રમ પૂર્ણ થયે જમવાની લાઈનમાં ઉભા હતા ત્યારે બનાવ બન્યો હોવાનું અને જમણા ખીસ્સામાં રાખેલ રૂપિયા 5000 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ ચોરાઈ ગયું હોવાનું તેમને ખ્યાલમાં આવતા લેખિત ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે કમલમ ખાતમુહૂર્ત સ્થળેથી અન્ય વીસેક લોકોના પાકીટ પણ ચોરાયા હોવાનું તેમને ઉમેર્યું હતું.