નીલકંઠ સોસાયટીના લોકોએ પાણી પ્રશ્ને જન આંદોલન છેડયું : એકાદ કલાકમાં જ મહાપાલિકાએ અને પોલીસે મામલો થાળે પાડતા ચક્કાજામ હટ્યોમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ માંડ એક ચક્કાજામ હટયું ત્યાં તે જ જગ્યાએ બીજી સોસાયટીના લોકોએ પાણી પ્રશ્ને ચક્કાજામ શરૂ કરી દીધો હતો. જો કે એકાદ કલાકમાં જ મહાપાલિકા અને પોલીસ દ્વારા તેઓને સમજાવીને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો. મોરબીમાં સાંજે મહેન્દ્રનગર ચોકડી ખાતે કાંતિજ્યોત સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામ દોઢેક કલાક સુધી ચાલ્યો હતો. જેમાં મહાપાલિકાએ લેખિત બાહેંધરી આપતા ચક્કાજામ હટ્યો હતો. ચક્કાજામ દૂર થયાને કલાકોમાં જ આ જ સ્થળે નિલકંઠ સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો હતો. જે અંદાજે એકાદ કલાક સુધી ચાલ્યો હતો. નીલકંઠ સોસાયટીના સ્થાનિકોએ પાણીના વિતરણ, ઓવરબ્રિજનું અધૂરૂ કામ અને સર્વિસ રોડ સહિતના પ્રશ્નોએ આ આંદોલન કર્યું હતું. તેઓ દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. જો કે તુરંત મહાપાલિકા અને પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેઓ દ્વારા સ્થાનિકોને સમજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રશ્નોના નિરાકરણનું આશ્વાસન આપવામાં આવતા અંતે ચક્કાજામ હટયું હતું. ઉલ્લેખનીય છે કે આવતીકાલે મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે. તે પૂર્વે મોરબીમાં જનઆંદોલનની મોસમ ફરી આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મોરબીમાં પ્રથમવાર એવું બન્યું છે કે એક જ જગ્યાએ કલાકોમાં જ બીજી વખત ચક્કાજામ સર્જાયો હોય. હાલ આજે બે વખત ચક્કાજામને કારણે તંત્રમાં દોડધામ મચી હતી.