રૂપિયા 76 કરોડના ખર્ચે પાડા પુલ, મયૂરપૂલને જોડતો ઓવરબ્રિજ બનશે, કેસરબાગ કપાયો, તાલુકા પોલીસ મથક સંકુલ પણ કપાતમાં મોરબી : મોરબીના શહેરીજનો પજવતા નટરાજ ફાટકના ટ્રાફિકના પ્રશ્નનો અંત ટૂંક સમયમાં આવશે, મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજ નિર્માણ કાર્ય આડેનાં તમામ અંતરાયો દૂર થતા હવે મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશાળ ઓવરબ્રિજ નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરુ થનાર છે અને સંભવતઃ થોડા દિવસમાં ઓવરબ્રિજ નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકા દ્વારા નટરાજ ફાટકે ટ્ર્રાફિક પ્રશ્ન નિવારવા છેલ્લા પાંચેક વર્ષથી પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા વિસ્તાર સાથે જોડતા ઓવરબ્રિજ નિર્માણ કરવા યોજના બનાવી હતી જેમાં રેલવે સહિતના વિભાગોની લીલીઝંડી મળતા રૂપિયા 76 કરોડના ખર્ચે ત્રાજપર ચોકડી અને મહેન્દ્રનગર ચોકડીથી શરૂ કરી સીધા જ જુના મોરબી આવી શકાય તેવો ટ્રાયેન્ગલ ઓવરબ્રિજ બનાવવાનો માર્ગ મોકળો થતા માર્ગ અને મકાન વિભાગ મોરબી દ્વારા ઓવરબ્રિજને આનુસંગિક કામગીરી શરૂ કરી છે.મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની કામગીરી માર્ગ મકાન વિભાગ હસ્તક સોંપવામાં આવી હોય ઓવરબ્રિજની તમામ ડિઝાઇન ફાઇનલ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ઓવરબ્રિજ નિર્માણનું ખાતમુહૂર્ત થવાના સંકેતો આપ્યા હતા. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેસરબાગ કપાતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઓવરબ્રિજ નિર્માણ માટે લોખંડ સહિતની સામગ્રી પણ આવી ગઈ છે.ઉલ્લેખનીય છે કે, મોરબીના પાડા પુલ, મયૂરપૂલ ઉપરથી શરૂ થતો નવો ઓવરબ્રિજ એક તરફ ત્રાજપર ચોકડી સુધી લંબાશે અને બીજી તરફ મહેન્દ્રનગર ચોકડી સુધી લંબાનાર હોય મહારાણા પ્રતાપ સર્કલ ઓવરબ્રિજ નીચે આવી જશે ઉપરાંત તાલુકા પોલીસ મથક સંકુલમાં બેસતી ડીવાયએસપી કચેરીની જગ્યામાં પણ કપાત આવે તેમ હોવાનું તેમજ વાય આકારનો વિશાળ ઓવરબ્રિજ બનતા ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાય જશે, નોંધનીય છે કે ઓવરબ્રિજ નિર્માણમાં દોઢથી બે વર્ષ જેટલો સમય લાગે તેમ હોય નિર્માણ કામગીરી દરમિયાન લોકોને થોડી મુશ્કેલી વેઠવી પડશે.