ભારે પવન ફૂંકાતા તમામ બાર્જ કિનારા ઉપર બોલાવી લેવાયા મોરબી : ઉત્તર ભારતમાં વાવાઝોડાની શક્યતા વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી હવામાનમાં પલટો આવવાની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લામાં 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા નવલખી બંદરે ગતિવિધિ અટકાવી દેવામાં આવી છે અને દરિયામાં રહેલા બાર્જને કિનારે બોલાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં વૈશાખી વાયરા ફૂંકાવાની સાથે હવામાનમાં આવેલા પલટા બાદ આજે પવનની ગતિમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મોરબી જિલ્લાની દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામોમાં આંધી જેવી ડમરી ચડતા ધૂળનો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ભારે પવનને કારણે મોરબીના નવલખી બંદર ઉપર દરિયામાં સ્ટીમરમાંથી કોલસાનું પરિવહન અટકાવી દેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં રફ વાતાવરણને કારણે ખાનગી કંપનીનું બાર્જ ડૂબી જવાની ઘટના બાદ આજે અંદાજે 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા પવનને કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે નવલખી બંદર ખાતે દરિયામાં જહાજમાંથી કોલસો પરિવહન કરતા અંદાજે 20થી 22 જેટલા બાર્જને કિનારા ઉપર લાવી દેવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.