મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે આજે જિલ્લા કક્ષાનો છઠો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં આ ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાત સરકારના 17 વિભાગના 323 વિવિધ યોજના 33568 લાભાર્થીઓને રૂ.444.93 કરોડની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ તકે રાજયમંત્રી અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉપર ભારે ગોટાળા કર્યાના આક્ષેપ સાથે આ કારાસ્તાનવાળાઓને ચૂંટણીમાં જવાબ આપવાની હાકલ કરી હતી. ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, પૂર્વપ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા પંચાયતની ચેરમેનો, નગરપાલિકાના પ્રમુખ સહિતના અગ્રણીઓ, લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ તકે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના કામ કરતા તેના ગોટાળા અને કારાસ્તાન બોલતા હોવાનો આક્ષેપ કરી આવા કારાસ્તાનવાળાઓને મતદાનમાં જવાબ આપવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું હતું.તેમણે સરકારની વિવિધ યોજનાના લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી. ગરીબ કલ્યાણ મેળામાં જે 33568 લાભાર્થીઓને રૂ.444.93 કરોડની સહાય અપયાની જાહેરાત કરાઈ હતી. તેમાં મેળા પહેલા 29700 લાભાર્થીઓને રૂ.425.58 કરોડની સહાય અને આજે મેળા દરમિયાન 2335 લોકોને રૂ.3.46 કરોડની સહાય તેમજ મેળા બાદ 1463 લોકોને સહાય આપવામાં આવી હતી. આ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા સહિતના વિવિધ સરકારી વિભાગોના કુલ 33568 લાભાર્થીઓને 444.93 કરોડની સહાય આપવામાં આવી હતી.