મોરબીના માળીયા ફાટક ઓવરબ્રીજમાં ચાલુ વરસાદે ડામર કામ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીએ હાથ અધ્ધર કર્યા : ત્રણ મહિનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ હોય અમદાવાદ જેવો અકસ્માત સર્જાવાની ભીતિ મોરબી : સ્કૂલમાં ભણતા નાના બાળક ને પણ જો પૂછવામાં આવે કે ચોમાસામાં રોડ ઉપર પડેલા ગાબડા બુરવા માટે ડામર કામ કરાય ? ચોક્કસ પણે બાળક પણ ના પાડશે ... પરંતુ મોરબી કચ્છ હાઇવે ઉપર હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાકટર દ્વારા ચાલુ વરસાદે ગાબડાં બુરવામાં આવતા લોકો અને વાહન ચાલકો પણ અચંબિત બન્યા છે. જો કે, આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીનો સંપર્ક કરતા આ અમારામાં ન આવે તેવો રેકોર્ડેડ જવાબ આપી માળીયા ફાટક ઓવરબ્રિજ ગાવર નામના કોન્ટ્રાકટરના અંડરમાં આવતો હોવાનું અને નેશનલ હાઇવે ઓથોરિટી તેમને કઈ કઈ ના શકે તેવો જવાબ આપી પોતાની જવાબદારી ખંખેરી નાખી હતી. જો કે, બે દિવસ પહેલા ચાલુ વરસાદે બુરાયેલા ગાબડાં બે દિવસમાં હતા તેમના તેમ મૂળ સ્થિતિમાં જીવલેણ બની ગયા છે. વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાહનચાલકો પાસેથી તગડો ટોલ વસુલવામાં આવે છે પરંતુ વહચાલકો ટોલ ટેક્સ ચૂકવીને પણ ખાડાખબડા વાળા રસ્તા ઉપર ચાલવા મજબુર છે તેવા સંજોગોમાં મોટાભાગના ઓવરબ્રિજ અને સર્વિસ રોડ ઉપર ગાબડે ગાબડાં ચોમાસા પૂર્વે રીપેર કરવાને બદલે ભર ચોમાસે આવા ગાબડાં પુરવામાં આવતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં મોરબીના માળીયા ફાટક ઓવરબ્રીજમાં પડેલા ગાબડાં ગત તા.18 જુલાઈના રોજ ચાલુ વરસાદે પુરવામાં આવતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. વધુમાં જાગૃત નાગરિક દ્વારા આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરી ચાલુ વરસાદે ગાબડાં પુરવા તેમજ છેલ્લા ત્રણ મહિનાથી આ ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઈટો પણ બંધ હોવાની ફરિયાદ કરી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. બીજી તરફ આ મામલે મોરબી અપડેટ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીનો સંપર્ક કરવામાં આવતા નેશનલ હાઈવેના અધિકારીએ માળીયા ફાટક ઓવરબ્રિજ હાઇવે ઓથોરિટી પાસે નહીં પરંતુ ગાવર નામની કોન્ટ્રાકટર કંપની હેઠળ હોવાનું અને હાઇવે ઓથોરિટી આ કોન્ટ્રાકટર પેઢીને કોઈ સૂચના પણ આપી શકતી ન હોવાનું જણાવ્યું હતું. આ સંજોગોમાં હાલમાં મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયા ફાટકનો ઓવરબ્રિજ ચર્ચાનો વિષય બન્યો છે અને છેલ્લા ત્રણ માસથી અહીં બ્રિજ ઉપરની લાઈટો પણ બંધ હોવાથી અમદાવાદમાં બે દિવસ પહેલા બનેલી ઘટના ની જેમ કોઈ દુર્ઘટના સર્જાય તો પણ હાઇવે ઓથોરિટીને કઈ લેવા દેવા ન હોવાનું અધિકારીના જવાબ ઉપરથી ફલિત થઇ રહ્યું છે. ચાલુ વરસાદે બુરાયેલા ગાબડાં બે દિવસમાં હતા તેમના તેમ મૂળ સ્થિતિમાં જીવલેણ બની ગયા છે ત્યારે મોરબીના ધારાસભ્ય કે સાંસદ આ મામલે હાઇવે ઓથોરિટીને ફરજનું ભાન કરાવે તેવી લોક માંગ ઉઠી છે.